શ્રીનગર, મંગળવારે બપોરે લગભગ ૩ વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આંતકીઓના ગોળીબારમાં બે વિદેશી સહિત ૨૬ પ્રવાસીના મોત થયા હતા. એટલું જ નહીં ત્રણ ગુજરાતી સહિત ૧૨ સહેલાણીઓ ઘાયલ પણ થયા હતા. જેમની સારવાર આર્મી હોસ્પિટલ તેમજ સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. હુમલાની શરૂઆતમાં વહિવટી તંત્ર દ્વારા ેક જ મૃત્યુની પુષ્ટિ કરાઇ હતી. જાેકે, લગભગ ચાર કલાક બાદ ૨૬ના મોતની માહિતી જાહેર કરાઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પહેલા એક પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી અને ત્યાં હાજર અન્ય પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા હતા. હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાએ સ્વીકારી છે. ઘટના પહેલગામના બૈસરન ખીણમાં બની હતી, જેમાં ૨૦ લોકો ઘાયલ પણ થયા હતા. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે.
ફેબ્રુઆરી ૨૦૧૯ પછી કાશ્મીરમાં સૌથી મોટો આતંકવાદી હુમલો આજે થયો હતો. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં આત્મઘાતી હુમલામાં ૪૭ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આજની ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. જે બાદ અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા. અમિત શાહે શ્રીનગરમાં અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.
દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી અને પરિસ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. સુરક્ષા દળોએ પહેલગામમાં હુમલાના વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા પણ વિસ્તાર પર નજર રખાઇ રહી છે.
દેશના નેતાઓએ આતંકી હુમલાની ઘટનાને કડક શબ્દોમાં વખોડી
• રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. આ હુમલાને આઘાતજનક અને અત્યંત પીડાદાયક ગણાવતા તેમણે કહ્યું હતું કે, નિર્દોષ લોકો પરનો આ હુમલો એકદમ બર્બર અને અમાનવીય હતો અને તેની સખત નિંદા થવી જાેઈએ. નિર્દોષ નાગરિકો અને આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.
• સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુ:ખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ ક્રૂર હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય કૃત્ય છે.
• મમતા બેનર્જી : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના પહેલગામ વિસ્તારમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુ:ખી છું. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું. હિંસાનું આ કૃત્ય સંપૂર્ણપણે નિંદનીય છે અને તેને સજા મળવી જ જાેઈએ.
• કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા નાપાક આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા રાખું છું. આતંકવાદ સામે આખો દેશ એક છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જાેઈએ અને નક્કર પગલાં લેવા જાેઈએ.
• જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા : મૃત્યુઆંકની તપાસ કરાઇ રહી છે. પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી સત્તાવાર માહિતી અપાશે. કહેવાની જરૂર નથી કે, આ હુમલો તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલા કોઈપણ હુમલા કરતા ઘણો ભયાનક અને મોટો છે.
• જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ : ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કરી પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદના બર્બર કૃત્યની કડક શબ્દોમાં નિંદા થવી જાેઈએ. આઝાદે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને પીડિતોના પરિવારોને સહાય સુનિશ્ચિત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો છે.
• પીડીપી નેતા ઈલ્તિજા મુફ્તી : હું ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તેઓ તપાસનો આદેશ આપે અને આની પાછળ કોણ છે તેની તપાસ કરે. આતંકીઓનો હેતુ શું હતો? આપણી સુરક્ષા એજન્સીઓએ પણ જવાબદારી લેવી જાેઈએ. અમે ૬ વર્ષથી કહી રહ્યા છીએ કે, કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય નથી. જે દિલ્હીમાં બેઠેલા લોકો હજુ પણ સમજી શકતા નથી કે અહીંની વાસ્તવિકતા શું છે.
• કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી : કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને શરમજનક કૃત્ય છે. નિ:શસ્ત્ર અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા એ માનવતા વિરુદ્ધ ગુનો છે, જે બિલકુલ અસ્વીકાર્ય છે. આખો દેશ આતંકવાદ સામે એક થયો છે અને તેની સખત નિંદા કરે છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
મોદી સાથે વાત કાર્ય બાદ ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. ઉચ્ચ પદ પર રહેલા સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે અમિત શાહ ટૂંક સમયમાં પહલગામ જવા રવાના થશે.
અમરનાથ યાત્રા પહેલા જ આતંકવાદી હુમલો
થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે. ત્યારે યાત્રામાં પહેલગામમાં જ બેઝ કેમ્પ બજનાવાય છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે.
આ એક સુનિયોજિત હુમલો હતો : નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણી
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીએ જણાવ્યું હતું કે, આ આતંકવાદી હુમલો સમયને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે કરાયો છે. તેમાં ઓજીડબલ્યુ નેટવર્ક પણ સામેલ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતમાં છે, આપણા વડાપ્રધાન મધ્ય પૂર્વમાં છે. એવામાં પાકિસ્તાન હંમેશા આતંકવાદનો આશરો લે છે. પાકિસ્તાન તેના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબલ્યુ) દ્વારા આવા હુમલાઓ કરી રહ્યું છે. આ સમગ્ર ઘટના ભારતને બદનામ કરવા અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ પાડવા માટે કરાઇ રહી છે.
નાપાક હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું : શાહ
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હું એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જઈ રહ્યો છું. મેં પ્રધાનમંત્રી મોદીને આતંકવાદી હુમલા વિશે જાણ કરી છે. સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. આ હુમલો કરનારા આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં. કડક કાર્યવાહી કરવામાં આવશે. હુમલામાં સામેલ એક પણ વ્યક્તને છોડાશે નહીં.
નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં : વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે, હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લવાશે. તેઓને છોડશે નહીં. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ દ્રઢ છે અને તે વધુ મજબૂત બનશે.
ભાવનગરની બે મહિલાઓ સહિત ત્રણને ઇજા : કલેકટર
ગાંધીનગર : હુમલામાં ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ડાભી, મોનિકા પટેલ, રિન્કુ પાંડેને ગોળી વાગી હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના અંગે ભાવનગર કલેકટર ડૉ. મનિષ બંસલે જનસત્તા લોકસત્તાને જણાવ્યું હતું કે, ભાવનગરથી ૩૦ જેટલા પ્રવાસી ગયા હતા. હુમલામાં ભાવનગરની બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિને હાથમાં ગોળી વાગી છે.
હુમલા પાછળ જે લોકો છે, તેને સજા મળવી જાેઈએ : મનોજ સિન્હા
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, હું પ્રવાસીઓ પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું. હું લોકોને ખાતરી આપું છું કે, હુમલા પાછળના લોકોને સજા થશે. મેં પોલીસ મહાનિર્દેશક અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓને પહેલગામમાં દાખલ લોકોને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ અપાયો છે. ઘાયલ પ્રવાસીને જીએમસી અનંતનાગ ખસેડાયા છે.
આતંકવાદીઓએ પસંદગીપૂર્વક લોકોને માર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ લોકોના નામ પૂછ્યા પછી તેમની હત્યા કરી છે. જાે આતંકવાદીઓએ પસંદગીપૂર્વક લોકોને માર્યા હોય, તો આ પણ ઘણું બધું કહી જાય છે. પહેલગામ એક ખીણ છે, ઊંચા પર્વત પરથી સ્નાઈપર દ્વારા કોઈ પણ હુમલો કરાતો નથી. આતંકવાદીઓ આવો હુમલો કરી શકે નહીં અને આ રીતે ભાગી ન શકે. પહેલગામ જ્યાં આવેલું છે તે સ્થળ ડુંગરાળ જંગલ નથી, તે એક ખીણ વિસ્તાર છે અને ત્યાં લીલાછમ ખેતરો છે. હવે હુમલા બાદ સુરક્ષા દળો કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરશે. હવે સુરક્ષા દળો સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં કડક કાર્યવાહી શરૂ કરશે. આનાથી વિસ્તારમાં પ્રવાસન પર ફરીથી અસર પડશે. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય કાશ્મીરના પર્યટનને નુકસાન પહોંચાડવાનો છે.
Loading ...