LPG ગેસથી ATM ટ્રાન્ઝેક્શન સુધી...મે ૨૦૨૫થી બદલાઈ રહ્યા છે મોટા નિયમો
29, એપ્રીલ 2025 નવી દિલ્હી   |  

બેંકિંગ, રેલવે અને નાણાકીય સેવાઓના કેટલાક નિયમોમાં થશે ફેરફાર

મે મહિનો દસ્તક આપવા જઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો બદલવાની તૈયારીઓ ચાલી રહી છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આ વખતે પણ પેટ્રોલ, સીએનજી, એલપીજી જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં દર મહિનાની શરૂઆતમાં કરવામાં આવતી નિયમિત સમીક્ષા મુજબ ફેરફાર થઈ શકે છે. આ સાથે જ બેંકિંગ, રેલવે અને નાણાકીય સેવાઓ સાથે જાેડાયેલા કેટલાક નિયમોમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.

એલપીજી ગેસના ભાવમાં વધારો થવાની સંભાવના

દર મહિનાની શરૂઆત પહેલા તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. એપ્રિલમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂા. ૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મેની શરૂઆતમાં ફરીથી ભાવવધારો થવાની સંભાવના છે, જેની અસર ઘરના બજેટ પર પડી શકે છે.

વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે નહીં

રેલવેએ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ફેરફારના સંકેત આપ્યા છે. મળતી માહિતી અનુસાર હવે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં. આ ફેરફાર લાખો મુસાફરોની મુસાફરી યોજનાઓને અસર કરી શકે છે.

બેંકિંગ સેક્ટર : એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી થશે

બેંકિંગ સેક્ટરમાં ૧ મેથી એટીએમમાંથી રોકડ ઉપાડવી પણ પહેલા કરતા મોંઘા થઈ શકે છે. અત્યાર સુધી, ગ્રાહકોને મેટ્રો શહેરોમાં ૩ વખત અને અન્ય શહેરોમાં ૫ વખત સુધી મફત ટ્રાન્ઝેક્શનની મંજૂરી અપાતી હતી. આ પછી રૂા. ૨૧ની ફી લેવાતી હતી, પરંતુ મેથી આ ફી રૂા. ૨૩ થઈ જશે. આની સીધી અસર તે ગ્રાહકો પર પડશે જેઓ એટીએમમાંથી વારંવાર રોકડ ઉપાડે છે.

એફડી તેમજ લોનના વ્યાજદરમાં ફેરફાર થવાની શક્યતા

એફડી અને બચત ખાતા ધરાવતા ગ્રાહકો માટે પણ આ મહિનો મહત્વનો હોઈ શકે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડાને કારણે, ઘણી બેંકોએ પહેલાથી જ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને આ દરોને વધુ અસર પણ થઈ શકે છે. આના કારણે એફડી પરનું વળતર ઘટી શકે છે અથવા લોન પરના વ્યાજ દરમાં ફેરફાર થઈ શકે છે.

ઉપરાંત ગ્રામીણ બેંકિંગ માળખામાં પણ મોટા ફેરફારો જાેવા મળશે. આરબીઆઈની યોજના હેઠળ, દેશના ૧૧ રાજ્યોની સ્થાનિક ગ્રામીણ બેંકોને મર્જ કરીને એક મોટી બેંક બનાવાશે, જેથી બેંકિંગ સેવાઓને વધુ કેન્દ્રિય અને સરળ બનાવી શકાય. આ તમામ ફેરફારોની અસર સીધી સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. જાે ઘરેલુ ગેસના ભાવ વધશે તો રસોડાનો ખર્ચ વધશે, જાે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ મોંઘા થશે તો રોકડ ઉપાડવી મુશ્કેલ બનશે અને બેંકિંગ વ્યાજદરમાં ફેરફારથી રોકાણ અને લોન બંનેને અસર થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution