12, સપ્ટેમ્બર 2025
વડોદરા |
3960 |
કોલકાતામાં 'શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત' તરીકે થયા સન્માનિત
વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદારશ ગફુરભાઈ ભટ્ટી ભરૂચના વતની હોવા છતાં, તેમણે વડોદરામાં પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો અને પોતાની શ્રેષ્ઠ કામગીરી બદલ 'શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત ગુજરાત રાજ્ય-૨૦૨૫' નો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યો છે.
૪૯ વર્ષીય ગફુરભાઈને મત્સ્યઉછેરનો ૨૦ વર્ષથી વધુનો અનુભવ છે. આ અનુભવ થકી તેઓ ભારતીય મેજર કાર્પ જેવી માછલીઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરે છે. તેઓ ૧૯૪ હેક્ટરના વિશાળ ધનોરા જળાશયનું સંચાલન કરે છે, જ્યાં તેઓ માછલીઓના બિયારણથી લઈને મોટા કદ સુધી ઉછેર કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માછલીઓનું ઉત્પાદન મેળવે છે. તેમની આ મહેનતને કારણે જ માછલીઓનો સર્વાઈવલ રેટ ઊંચો રહે છે અને ધાર્યું ઉત્પાદન પણ મળી રહ્યું છે.
ગફુરભાઈ સ્થાનિક માછીમારો અને ઉદ્યોગસાહસિકો માટે ઉદાહરણ પૂરું પાડે છે. તેમના પ્રયાસોથી સ્થાનિક માછીમારોને આજીવિકા મળી છે અને મત્સ્યઉદ્યોગને ટકાઉ બનાવવા માટે પણ એક મોડેલ પૂરું પડ્યું છે.
આ અંગે વડોદરાના મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક રમેશ કુમાર સખરેલિયાએ જણાવ્યું કે ગફુરભાઈનું નામ શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત ની શ્રેણી માં સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેરકપોર ખાતે નોંધણી કરાવેલ. જે અન્વયે તેમને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિન ના કાર્યક્રમ માં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.