29, એપ્રીલ 2025
નવી દિલ્હી |
એટીએમમાં રૂા. ૧૦૦ અને ૨૦૦ની નોટો વધારવાના રિઝર્વ બેંકના નિર્દેશ
જાે તમે એટીએમમાંથી રૂા. ૧૦૦ કે ૨૦૦ની નોટ ન મળવાથી ચિંતિત છો, તો આ સમસ્યા ટૂંક સમયમાં દૂર થઇ જશે. રિઝર્વ બેંકે આ સંદર્ભમાં તમામ બેંકોને માર્ગદર્શિકા આપી છે. રિઝર્વ બેંકે બેંકોને એટીએમમાં શકય તેટલી વધુ રૂા. ૧૦૦ અને ૨૦૦ની નોટો રાખવા કહ્યું છે જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
નિર્દેશના પાલન માટે રિઝર્વ બેંક દ્વારા સમયમર્યાદા પણ નક્કી કરાઇ
હાલમાં, મોટાભાગે એટીએમમાંથી રૂા. ૫૦૦ની નોટો નીકળે છે. આવી સ્થિતિમાં, જે લોકોને રૂા. ૧૦૦ કે ૨૦૦ની નોટની જરૂર હોય છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રિઝર્વ બેંક ઇચ્છે છે કે એટીએમમાં વધુને વધુ રૂા. ૧૦૦ અને ૨૦૦ની નોટો ઉપલબ્ધ થાય. આ માટે રિઝર્વ બેંકે તમામ બેંકો અને વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોને જરૂરી સૂચનાઓ આપી છે. રિઝર્વ બેંકે આ માટે એક સમયમર્યાદા પણ નક્કી કરી છે.
સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ૭૫ ટકા એટીએમમાં નાની ચલણી નોટો વધારાશે
રિઝર્વ બેંકનું કહેવું છે કે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૭૫ ટકા એટીએમમાં રૂા. ૧૦૦ અને ૨૦૦ દરની નાની ચલણી નોટો ઓછામાં ઓછી એક કેસેટમાં હાજર હોવી જાેઈએ. મતલબ કે, આ નોટો મોટાભાગના એટીએકમાં ઉપલબ્ધ હશે. પછી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં, આ ૯૦ ટકા એટીએમમાં ઉપલબ્ધ થઈ જશે. આના કારણે લોકોને નાની નોટોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.