ભરૂચ, તા.૮ 

છપનિયા દુકાળથી વિશ્વભરમાં એકમાત્ર ભરૂચમાં યોજાતા મેઘ-છડી ઉત્સવને આ વખતે કોરોનાનું ગ્રહણ નડી ગયું છે. ૨૦૦ વર્ષના ઇતિહાસમાં ભરૂચમાં પ્રથમ વખત મેઘમેળો નહિ યોજાય. સાથે જ જિલ્લા વહીવટી તંત્રે જન્માષ્ટમી, ગણેશોત્સવની જાહેર કે સામુહિક ઉજવની પર પણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જારી કરી દીધું છે. ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ૨૦૦ વર્ષથી વધુ સમયથી ઉજવાતા મેઘરાજા અને છડી મહોત્સવ-મેળો આ વખતે કોરોનાને કારણે નહિ યોજાય.વિશ્વમાં એકમાત્ર ભરચમાં ૨ સદી ઉપરાંતથી ઉજવાતા ઐતિહાસિક ઉત્સવની દંતકથા છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે ૨૦૦ વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ‌ થાય તો ભોઇ સમાજના વડવાઓએ મૂર્તિ‌ને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો ‘મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરવામાં આવે છે.ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જે.ડી. પટેલે જાહેરનામું જારી કરી મેઘ-છડી મેળા, જન્માષ્ટમી, ગણેશોત્સવની જાહેર તેમજ સામુહિક ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઈ નોમ અને દશમે ૨ છડીઓનું મિલન તેમજ મેઘરાજા જોડે કેવી રીતે ભેટાવવી તેને લઈ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ સમાજ વિમાસણમાં મુકાઈ ગયો છે.