મંદિરના પુજારીના નિભાવ ખર્ચ માટે મળેલી જગ્યાનો સોદો કરી દેવાયો નવનાથ પૈકી મોટનાથ મહાદેવ મંદિરની ૧.૫૦ લાખ ફૂટ જગ્યા વેચાઈ, એનએ થઈ
08, જુન 2024

સિદ્ધાર્થી મણીયાર ા વડોદરા

શહેરની રક્ષા કરતા નવનાથ પૈકીના એક મોટનાથ મહાદેવ મંદિરની ૧.૫૦ લાખ ફુટ જગ્યા પૂજારી દ્વારા ૨૦૨૨માં વેચાઈ ગઈ હતી. જાેકે, જગ્યા મૂળ બારખલી ધર્મ સ્થાનની હોવા છતાં તે સમયે તેની વેચાણ નોંધ પણ મંજુર થઇ ગઈ હતી. એટલું જ નહીં જમીન ખરીદનાર દ્વારા ૨૦૨૩માં જગ્યા બિનખેતી કરવા માટે અરજી કરાઈ હતી. જે અરજી જિલ્લા કલેકટર બિજલ શાહ દ્વારા ૧૭મી મે ૨૦૨૪ના રોજ મંજુર પણ કરી દેવામાં આવી છે. જેના પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ભૂકંપ હોય કે પૂર જેવી કુદરતી આવત વડોદરાની રક્ષા નવનાથ મહાદેવન કરે છે. જે પૈકી એક મહાદેવ એટલે હરણી વિસ્તારમાં બિરાજતા મોટનાથ મહાદેવ. હરણી વિસ્તારની હરણી ટીપી ૧ (ફાઇનલ) માં ફાઇનલ પ્લોટ ૯૦ અને સર્વે નંબર ૧૦૧માં મોટનાથ મહાદેવન મંદિર આવેલું છે. જેતે સમયે ગાયકવાડી સેશનમાં મંદિર અને પૂજારીના નિભાવ ખર્ચ માટે મોટનાથ મહાદેવ મંદિરને કેટલીક જગ્યા આપવામાં આવી હતી. જે જગ્યાનો માલિકી હક્ક મોટનાથ મહાદેવનો જ હોય છે. જેનો ભોગવટો મંદિરના પૂજારીને આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મહેસુલી કાયદા અનુસાર આ જગ્યા બારખલી ધર્મ સ્થાનની જગ્યા તરીકે નોંધાઈ છે. જે અનુસાર મંદિરના નિભાવ માટે મળેલી જગ્યાને વેચાણ, બક્ષિસ કે ગીરો આપવાનો અધિકારી માત્ર મોટનાથ મહાદેવને છે પુજારીને નહીં.

અમદાવાદ હાઇવે નજીક હરણી ટીપી ૨ (પ્રિલિમિનરી)માં સમાવિષ્ઠ સર્વે નંબર ૨૭૩, ૨૭૪ અને ૨૭૭ની જગ્યા જેતે સમયે મોટનાથ મહાદેવને મંદિર અને પૂજારીના નિભાવ ખર્ચ માટે આપવામાં આવી હતી. જે જગ્યાનો માલિકી હક્ક મોટનાથ મહાદેવનો છે જયારે ભોગવટો પૂજારી પરિવાર પાસે છે. તેમ છતાં પૂજારી પરિવાર દ્વારા ૨૦૨૨માં મે મહિનાની ૧૭મી તારીખે દસ્તાવેજ કરી જગ્યા મનહરભાઈ નાગજીભાઈ પટેલને વેચાણ આપી દસ્તાવેજ કર્યો હતો. જેની વેચાણ નોંધ ૧૬મી જુલાઈ ૨૦૨૨ના રોજ મંજુર પણ થઇ ગઈ હતી. જે બાદ મનહરભાઈ પટેલ દ્વારા જગ્યા બિનખેતી કરાવવા માટે ૨૦૨૩માં અરજી કરાઈ હતી.

જે અરજી પણ હાલના કલેકટર બિજલ શાહ દ્વારા ૧૭મી મે ૨૦૨૪ના રોજ મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. કલેકટર દ્વારા આપવામાં આવેલા બિનખેતી હુકમમાં જગ્યા ૧.૫૦ લાખ ફુટ જગ્યા હોવાનું આંકવામાં આવ્યું છે. જે જગ્યા મોટનાથ મહાદેવ મંદિરની માલિકીની હતી. ઉલ્લેખનીય છે કે, કોઈ પણ જમીન બિનખેતી કરતા સમયે અનેક અભિપ્રાય મેળવવામાં આવતા હોય છે. જે તમામ પૈકી મોટા ભાગના અભિપ્રાય મોટનાથ મહાદેવ મંદિરની માલિકીની જગ્યામાં નકારાત્મ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બારખલી નાબૂદી ધારાની જમીન વેચાણ કૌભાંડના મૂળ ૨૦૨૨માં નાખવામાં આવ્યા હતા

મોટનાથ મહાદેવ મંદિરની માલિકીની બારખલી ધર્મ સ્થાનની જગ્યાના વેચાણ અને એનએ કરાવવાનો કારસો ૨૦૨૨માં રચાયો હતો. ૨૦૨૨માં મોટનાથ મહાદેવ મંદિરના પૂજારી દ્વારા જગ્યા વેચાણ આપવામાં આવી ત્યારે તેની વેચાણ નોંધ તે સમયના સર્કલ ઓફિસર અને હાલ કલેકટરના પીએ વિશાલ સિણોજીયા દ્વારા મંજુર કરાઈ હતી. જે બાદ એક વર્ષે એનએની અરજી કરવામાં આવી હતી. જાેકે, તેના એક વર્ષ બાદ જયારે વિશાલ સિણોજીયા જિલ્લા કલેકટર બિજલ શાહના પીએ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે જ જગ્યાને બિનખેતીની મંજૂરી મળી છે. જે અનેક શંકા ઉપજાવે છે.

જિલ્લા કલેક્ટર બિજલ શાહ નજીવા કારણોસર ફાઈલ દફ્તરે કે નામંજૂર કરે છે

વડોદરાના જિલ્લા કલેકટર તરીકે બિજલ શાહે ફેબ્રુઆરી ૨૦૨૪માં જિલ્લા ક્લેકટર તરીકે ચાર્જ સાંભળ્યો હતો. જે બાદ અત્યાર સુધી બિનખેતી તેમજ પ્રીમિયમ ભરવા માટેની અંદાજે ૧૫૦૦ જેટલી અરજી થઇ છે. જેમાંથી ૧૨૫૦ જેટલી અરજી દફ્તરે અથવા ના મંજુર કરવામાં આવી છે. જેના કારણે શહેરનો વિકાસ પણ અટકી ગયો છે. કલેકટર બિજલ શાહ દ્વારા નજીવા કારણો આપીને અરજી દફ્તરે કરવામાં આવે છે અથવા તો નામંજૂર કરવામાં આવે છે. તો મોટનાથ મહાદેવ મંદિરની માલિકીની બારખલી ધર્મ સ્થાન હેઠળ આવતી જગ્યા પૂજારી દ્વારા વેચાણ થઇ તેની સામે પ્રશ્ન ઉભો કરવાની જગ્યાએ તેને બિનખેતીની મંજૂરી કઈ રીતે મળી તે પ્રશ્ન થાય છે.

બારખલી નાબૂદી ધારા હેઠળ આવતી જમીન વેચાણના કિસ્સામાં ફોજદારી કાર્યવાહીની સૂચના આપી હતી

વડોદરાના તત્કાલીન કલેકટર ડૉ. વિનોદ રાવ દ્વારા તેમના કાર્યકાળમાં બારખલી ધર્મ સ્થાન હેઠળ આવતી જગ્યાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરકારના પરિપત્ર અનુસાર બારખલી ધર્મ સ્થાનની જગ્યાનું વેચાણ કરી શકાય નહીં. જેથી ડૉ. વિનોદ રાવ દ્વારા ૨૦૧૨માં તમામ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતને સૂચના આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, બારખલી ધર્મ સ્થાનની જગ્યા વેચાણ, બક્ષિસ કે ગીરો આપવામાં આવે તો તેની નોંધ ૭/૧૨માં આપવી નહીં. તેમજ વેચાણ કરનાર અને વેચાણ લેનાર બન્ને સામે ફોજદારી કાર્યવાહી કરવી.

બારખલી ધર્મસ્થાનની જગ્યાના વેચાણના કિસ્સામાં હાઇકોર્ટમાં કેસ થયા તો સરકારે સ્પષ્ટતા કરવાની હોય છે

મોટનાથ મહાદેવન મંદિરની માલિકીની જગ્યાના વેચાણ, બિનખેતીની અરજી અને બિનખેતીની મંજૂરી વચ્ચે લાંબો સમય છે. ૨૦૨૨માં વેચાણ, ૨૦૨૩માં બિનખેતી માટે અરજી અને ૨૦૨૪માં બિનખેતીની મંજૂરી મળી. આ સમય દરમિયાન હાઇકોર્ટમાં કોઈ કેસ થયો હોય અને તેના આધારે ઓર્ડર કરવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં ઓર્ડરની નોંધ કરવાની હોય છે. તેમજ સરકારે પણ આવા કિસ્સામાં હાઇકોર્ટમાં સ્પષ્ટતા કરવાની હોય છે. જાે સરકાર દ્વારા સ્પષ્ટતા ન કરવામાં આવી હોય તો તે એક ચૂક છે.

નેશનલ હાઇવેને અડીને આવેલી જગ્યાની અંદાજિત કિંમત કરોડોમાં

મોટનાથ મહાદેવ મંદિરની માલિકીની જગ્યા સર્વે નંબર ૨૭૩, ૨૭૪ અને ૨૭૭ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેને અડીને જ આવેલી છે. હાલ જે પ્રકારે હરણી વિસ્તારનો વિકાસ થઇ રહ્યો છે. તે જાેતા મંદિરના પૂજારીના કબજા હેઠળની મોટનાથ મહાદેવની માલિકીની જગ્યા જે મનહરભાઈ નાગજીભાઈ પટેલે વેચાણ રાખી છે તેની અંદાજિત કિંમત કરોડોમાં હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં આ સોદો કરાવવામાં વિસ્તારના એક મોટા ગજાના નેતાનો પણ ક્યાંકને ક્યાંક હાથ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

વિશાલ સિણોજીયા દ્વારા ભૂતકાળમાં અનેક વિવાદાસ્પદ ઓર્ડર કરાયા છે

મામલતદાર ઉત્તરની કચેરીમાં ભૂતકાળમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ના. મામલતદાર સર્કલ ઓફિસર વિશાલ સિણોજીયાએ તેના કાર્યકાળમાં પણ અનેક વિવાદાસ્પદ ઓર્ડર કર્યા છે. જે તમામ ઓર્ડર સામે હાલ હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે. એટલું જ નહીં વિશાલ સિણોજીયાની મિલ્કતોની તપાસ માટે પણ કેટલાક અરજદારો દ્વારા એસીબી તેમજ સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution