02, મે 2025
મુંબઈ |
નિફ્ટી 24500 ક્રોસ,રૂપિયો 40 પૈસા મજબૂત બન્યો
ચાલુ કેલેન્ડર વર્ષમાં પ્રથમ વખત 81000નું લેવલ ક્રોસ કરવામાં સફળ
સપ્તાહના અંતે શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સમાં 900 આવ્યો હતો. જેના કારણે બજારમાં પણ તેજી જોવા મળી હતી.
વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ નજીવી વૃદ્ધિ સાથે ખૂલ્યા બાદ 935.69 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષમાં પ્રથમ વખત 81000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. છેલ્લે 17 ડિસેમ્બર, 2024ના રોજ 81000ના લેવલ પર ટ્રેડ થયો હતો.શેરબજાર હેવી કરેક્શન બાદ હવે સુધારા તરફ આગેકૂચ કરતું જોવા મળ્યું છે. નિફ્ટી 50 આજે 24500ની મજબૂત ટેક્નિકલ સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જે 10.41 વાગ્યે 185.10 પોઈન્ટના ઉછાળે 24519.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 442.05 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો. સેન્સેક્સ 10.42 વાગ્યે 739 પોઈન્ટના ઉછાળે ટ્રેડેડ હતો. વિદેશી રોકાણકારોની સતત ખરીદી તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજાર સુધર્યા છે. બેન્કિંગ શેર્સમાં મોટાપાયે ખરીદી નોંધાઈ છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.24 ટકા, એક્સિસ બેન્ક 1.44 ટકા, એસબીઆઈ 1.41 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.34 ટકા ઉછળ્યો છે. ભારતીય રૂપિયો 1 ઓક્ટોબર, 2024 બાદ પ્રથમ વખત ડોલર સામે 84નું લેવલ તોડવા સક્ષમ બન્યો છે. આજે 40 પૈસા મજબૂત બની 84.09 પર ખૂલ્યા બાદ 83.90 થયો હતો. ઈક્વિટી અને ડેટ માર્કેટમાં મજબૂત મૂડી રોકાણના પગલે ફોરેક્સ માર્કેટ નબળું પડ્યું હોવાનું કરન્સી ટ્રેડર્સે જણાવ્યું છે.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની શક્યતાઓના સંકેત આપ્યા હતા. જેથી ભારતને ટેરિફમાં રાહત મળવાની અપેક્ષા વધી છે. બીજી બાજુ ચીન પણ અમેરિકા સાથે ટ્રેડવૉર મુદ્દે વાતચીત કરવા સહમત થયું છે. વિશ્વની બે મહાસત્તા આ મામલે ઉકેલ લાવે તેવી સંભાવના સાથે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી છે. પરિણામે શેરબજારને ટેકો મળ્યો છે.