અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રારંભે મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાયું
03, ઓક્ટોબર 2024

અંબાજી, માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો.નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી. દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી. જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદા કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભામંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે. શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે નવરાત્રી પર્વનો પ્રારંભ તા મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દૂરદૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભકતોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભીડ વચ્ચે પણ માં અંબાના શાંતિપૂર્વક દર્શન થતાં ભાવિકોએ સુચારૂ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનાનો આભાર માન્યો હતો. નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી નિમિત્તે મંદિરન ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution