શારદીય નવરાત્રિ ૨૦૨૪ - ઘટ સ્થાપન મુહૂર્ત અને પૂજનવિધિ
26, સપ્ટેમ્બર 2024 આદીત શાહ   |  

આગામી તારીખ ૦૩-૧૦-૨૦૨૪ના રોજ ગુરુવારથી આસો મહિનાની શરૂઆત થશે જેની સાથે સાથે વર્ષની અંતિમ નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. આ લેખ દ્વારા હું આપની સમક્ષ ઘટ સ્થાપન મુહૂર્ત અને પૂજનવિધિ રજૂ કરી રહ્યો છું.

સમય – તા. ૦૩.૧૦.૨૦૨૪

સવારે ૦૬.૧૫થી ૦૭.૨૨સુધી.

અભિજીત મુહૂર્ત –૧૨.૦૫થી ૧૨.૫૨

પૂજન વિધિ –

સ્થાપન માટેના સ્થાનને શુદ્ધ જળથી (પ્રાપ્ય હોયતો ગંગાજળથી) સાફ કરીને તેના પર એક બાજાેઠ કે પાટલો મૂકવો. તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરીને માતાજીનો ફોટો કે મૂર્તિ મૂકવી. માતાજી સમક્ષ થોડા ચોખા કે મગની ઢગલી કરવી. એક તાંબાના લોટામાં નાગરવેલના પાંચ પાન મૂકીને તેમાં પાણી ભરવું. ત્યારબાદ લોટામાં ચપટી કંકુ, ગુલાલ, ચોખા, અબીલ, સોપારી અને રૂપિયાનો સિક્કો મૂકી ઉપર શ્રીફળ મૂકવું. શક્ય હોય તો આ જ બાજાેઠ પર ગણેશજીને પણ બિરાજમાન કરવા. લોટામાં જળ ભરતી વખતે ઓમ વરુણાય નમ ના જાપ કરવા. જાે જ્વારા વાવવા હોય તો બાજાેઠ આગળની જમીનને માટી-ગૌમૂત્ર-છાણથી લીંપીને જવમિશ્રિત માટીની ઢગલી કરવી. માતાજી સમક્ષ ઘીનો દીવો કરવો. જે લોકો અખંડ જ્યોત રાખતા હોય તે લોકોએ સૂર્યદેવનું સ્મરણ કરીને તેમને સાક્ષી માનીને જ્યોત પ્રગટાવવી. આ જ્યોત ૯ દિવસ અખંડપણે પ્રજ્વલિત રહેવી જાેઈએ. ત્યારબાદ માતાજી સમક્ષ હાથમાં ફૂલ લઈ સંકલ્પ કરવો કે હે મા, હું આજે નવરાત્રિની એકમથી નવ દિવસની આરાધના અમુક કાર્ય માટે કરી રહી છું તો આપ મારી પૂજા સ્વીકાર કરો અને મારા કાર્યને સિદ્ધિ પ્રદાન કરો. પૂજન સમયે જાે કોઈ મંત્ર ન આવડે તો નામ જાપ કરો (શ્રી અંબિકાય નમ) અને પોતાની પાસે જે સામગ્રી કે પ્રસાદ હોય તો માને અર્પણ કરો. સંભવ હોય તો માને શણગાર અને ચુંદડી અવશ્ય ચઢાવો.

શક્ય હોય તો પરિવારની સુખાકારી માટે નીચેના મંત્રનો અમુક માળાની સંખ્યામાં જપ કરવો.

નમો જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની,

દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે...

સર્વવિઘ્નવિનાશન આ મંત્રના જાપ માટે કોઈ નિયમ, બાધા, મંત્રદીક્ષા કે જનોઈ ધારણ કરેલી હોવી જરૂરી નથી. મા ફક્ત હ્રદયના ભાવ થકી ભક્તોનો પુકાર સાંભળે છે. જાે આપ સ્થાપના કરવા સક્ષમ નથી તો પણ કોઈ ચિંતા નથી, આપ માનસી પૂજા થકી પણ ભક્તિ કરી શકો છો.

સ્થાપન પછીના નિયમો -

 નવ દિવસ સુધી કાંદા લસણ કે કોઈ પણ તામસી ખોરાકનો ઉપયોગ કરવો નહી.

 બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરવું. જાે સ્વપ્નદોષ થાય તો સાધના કે જાપ વચ્ચે છોડી દેવા. માતાજીની માફી માંગી બાકીના દિવસો ફક્ત આરતી પૂજા કરવી.

 શક્ય હોય તો પલંગને બદલે જમીન પર સૂવું.

 ઉપવાસ દરમિયાન એકટાણું કરવું કે ફળાહાર કરવો. નકોરડાં ઉપવાસ શક્ય હોય તો જ કરવા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution