26, મે 2025
વડોદરા |
4752 |
યાત્રા દરમિયાન કર્નલ સોફિયાના પરિવારજનો સાથે કાર ધીમી કરવી સાંકેતિક ભાષામાં વાત કરી
વડાપ્રધાન મોદીને મળીને ખૂબ સારું લાગ્યું, અમારા માટે ગૌરવની ક્ષણો : શાયના કુરેશી
આજે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું હતું.

વડાપ્રધાનનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાનને કારને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનની કાર નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે નરેન્દ્ર મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાયા અને પરિવારને નમસ્તે કહ્યું હતું. સાથે જ તેમણે સાંકેતિક ભાષામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોને કેમ છો, મજામાં? તેમ પૂછ્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાને હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું.
આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ જણાવ્યું હતું કે, અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. કર્નલ સોફિયા કુરેશી ફક્ત મારી જ નહીં, પરંતુ દેશની બહેન છે.