અમદાવાદ-

આમિર ખાનની સાસણ ગીરની મુલાકાતને લઇને એક સામાજિક કાર્યકરે સુઓમોટો કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીકર્તાએ દાવો કર્યો છે કે વન વિભાગે આમિર ખાનને VIP સેવા આપી છે. જેમાં ગેરકાયદેસર રીતે સિંહ-સિંહણો રસ્તા પર મૂકાયા છે તેવો દાવો કરવામાં આવ્યો છે જેના પગલે વિવાદ સર્જાયો છે. બોલીવુડ અભિનેતા આમીરખાનની સાસણ મુલાકાત વિવાદમાં ફસાઈ છે. અને સામાજીક કાર્યકરે ગુજરાત હાઈકોર્ટને એક અરજી કરી આમીરખાનને જે રીતે જંગલખાતા તથા સિંહ દર્શનના નિયમોને એક બાજુ મુકી સિંહ દર્શન કરાવાયું તેની નોંધ લઈને જંગલ વિભાગને નોટીસ પાઠવવા માંગ કરી છે.  અરજીમાં જણાવાયું કે આમીરખાન અને તેના ફેમીલી માટે સિંહોને ખાસ ભેગા કરવામાં આવ્યા હતા અને તેઓને આમીરખાનનો કાફલો આવે ત્યાં સુધી બંધક જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા જે વન્ય પ્રાણી સંબંધી કાનૂનનું ઉલ્લંઘન છે.