બોટાદ-

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સૌપ્રથમ વખત મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો અહીં મગફળી વેચવા આવી રહ્યા છે. અહીં ખેડૂતોને ટેકાના ભાવ કરતા પણ વધારે ભાવ મળી રહ્યા છે. ખેડૂતોના કારણે અહીં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં રોજની 20થી 25 હજાર મણ મગફળીની આવક થઈ રહી છે. રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા આ વર્ષે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈ મગફળીનું સારું ઉત્પાદન થયું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી માત્ર કપાસની હરાજી કરવામાં આવતી હતી, પરંતુ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જોરૂ ધાંધલ અને ટીમના પ્રયાસથી સૌપ્રથમ વાર મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં યાર્ડના સત્તાધીશો દ્વારા સ્ટોકિસ્ટ તેમ જ મગફળી ખરીદી કરનારા વેપારીઓનો સંપર્ક કરી અને સહિયારા પ્રયાસથી આ મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે.

હાલ રોજ યાર્ડમાં બોટાદ જિલ્લા સહિત જસદણ, વિંછીયા, ચોટીલા સહિત અન્ય જિલ્લા અને તાલુકામાંથી મગફળી વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. આથી રોજની 20થી 25 હજાર મણ મગફળીની માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઇ છે. તો બીજી બાજુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનો ભાવ રૂ.1055 મૂકવામાં આવ્યો છે. જયારે અહીંયા ખેડૂતોને રૂ. 950થી 1060-70 જેટલા ભાવ મળી રહ્યા છે. તેમજ ખેડૂતોને એક જ દિવસમાં તેમના રૂપિયા મળી જાય છે. તો બીજી યાર્ડ દ્વારા મજૂરો તેમજ ખેડૂતો માટે ખેડૂત ભવનમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડનું સૂત્ર ખરો તોલ રોકડ વ્યવહારને લઈ ચાલુ વર્ષે શરૂ કરાયેલી મગફળીની હરાજીને જોતા આગામી દિવસોમાં જે રીતે સૌરાષ્ટ્રનું કોટન યાર્ડ બોટાદ કહેવાય છે. તે જ રીતે મગફળીમાં પણ ખેડૂતો વધુ બોટાદ યાર્ડમાં આવશે તેવું જોવા મળી રહ્યું છે.