21, મે 2025
નવી દિલ્હી |
પુરુષ હોય કે મહિલા હવે, બંને સમાન છે. જેના અનેક કિસ્સા રોજ બરોજ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ હોય કે આર્મી દરેક જગ્યાએ મહિલાઓનું સ્થાનક અંકિત થઈ ગયું છે. જેનો વધુ એક પુરાવા સામે આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના મહિલા સબ-ઇન્સ્પેક્ટર એવરેસ્ટ સર કરવાની સિધ્ધી મેળવી છે. મહિલા સબ ઇન્સ્પેકટર ગીતા સમોતાએ ૧૯ મે ૨૦૨૫ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર ભારત તેમજ CISFનો ધ્વજ ૮૮૪૯ મીટરની ઉચાઈએ લહેરાવ્યો હતો.

ગીતા સમોતા રાજસ્થાનના સીકર જિલ્લાના ચક ગામની રહેવાસી છે. ગીતા એક સરળ ગ્રામીણ પરિવારમાંથી આવે છે. બાળપણમાં છોકરાઓની સિદ્ધિઓ વિશે સાંભળીને, તેમના મનમાં પોતાની ઓળખ બનાવવાની ઇચ્છા જાગી હતી. કોલેજમાં તે એક હોકી ખેલાડી હતી, પરંતુ એક ઈજાએ તેની રમત કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું. પછી ગીતાએ પોતાની જાતને તૈયાર કરી, આ વખતે તેનું લક્ષ્ય પર્વતારોહણ હતું.

ગીતા ૨૦૧૧માં CISFમાં જોડાઈ હતી. ૨૦૧૫માં, તે ઔલીમાં ITBP તાલીમ સંસ્થામાં પર્વતારોહણ તાલીમ મેળવનારી તેની બેચની એકમાત્ર મહિલા બની. ૨૦૧૭માં તેણીએ તાલીમ પૂર્ણ કરી અને CISFની પ્રથમ પ્રશિક્ષિત મહિલા પર્વતારોહક બનવાનું સન્માન મેળવ્યું હતું.

જે બાદ તેણે સેવન સમિટ હેઠળ માઉન્ટ સતપથ, માઉન્ટ લોબુચે અને ચાર ખંડીય શિખરો સર કર્યા હતા. તેણીએ છ મહિના અને ૨૭ દિવસમાં ચાર ખંડોના શિખરો સર કરીને સૌથી ઝડપી ભારતીય મહિલા પર્વતારોહી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો.
આ સિદ્ધિ માટે તેમને ઘણા રાષ્ટ્રીય સન્માનો મળ્યા છે. ગીતા માને છેકે, પર્વતો કોઈની સાથે ભેદભાવ કરતા નથી, તેઓ ફક્ત હિંમત, સમર્પણ અને નિશ્ચયને ઓળખે છે. તેમની સફળતાથી પ્રેરિત થઈને, CISF હવે ૨૦૨૬માં એવરેસ્ટ પર એક સમર્પિત ટીમ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.