09, મે 2025
સુરત, કાશ્મીરનાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરતાં બંને દેશો વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિ વચ્ચે સુરત શહેર તથા જિલ્લામાં લાંબો દરિયાકાંઠો હોય ત્યાં પોલીસ હાઇએલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ અધિકારીઓએ ગામ અગ્રણીઓ, માછીમારો સાથે બેઠક યોજી શંકાસ્પદ વ્યક્તિઓ કે હિલચાલ પર વોચ રાખવા સમજણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હજીરાના મહાકાય ઉદ્યોગોની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઇ હતી. પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા કરાતાં હોય પોલીસે ૧૫મી તારીખ સુધી ડ્રોન ઉડાવવા તથા આતશબાજી કરવા, ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આતંકવાદનાં ગઢ ગણાતા પાકિસ્તાન પર ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક બાદ સ્થિતિ વણસી છે. પાકિસ્તાની સેના દ્વારા ગઈકાલ રાતથી જ જમ્મુ કાશ્મીરથી માંડીને પંજાબ અને રાજસ્થાનનાં સરહદી વિસ્તારો પર હુમલાનાં પ્રયાસોને ભારતીય સેનાએ નાકામ બનાવી દીધા છે. આ સ્થિતિમાં ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં ઈમરજન્સી બેઠક કરવામાં આવી રહી છે. જેમાં હોસ્પિટલમાં જરૂરી સાધન-સામગ્રી સાથે દવાના સ્ટોક ઉપલબ્ધ કરાવવા સહિતનાં પગલાં ભરવા અંગે ર્નિણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સુરત શહેર સુરક્ષા સંવેદનશીલતાની દ્રષ્ટિએ નંબર-૧ની કેટેગરીમાં આવતું હોવાને કારણે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા ગત રોજ વોર રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર સહિત સેનાની ત્રણેય પાંખો સાથે સંકલનમાં રહીને સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. ભારત - પાકિસ્તાનનાં સરહદી વિસ્તારોમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર સાથે સુરત શહેર અને જિલ્લા પોલીસ પણ હાઇ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ડુમસ, હજીરા પોર્ટ, ડભારી અને સુંવાલી જેવા દરિયાઈ કાંઠા વિસ્તારોમાં સવારથી જ પોલીસ જવાનોનો ખડકલો ખડકી દેવામાં આવ્યો છે. દરિયાઈ કાંઠા વિસ્તારના મહાકાય ઔદ્યોગિક એકમોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તેમની ટીમ સાથે પહોંચ્યા હતાં. ઉચ્ચ અધિકારીઓએ અહીં તૈનાત પેરામિલિટરી ફોર્સનાં અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. તેમણે સ્પીડબોટમાં દરિયાની સ્થિતિ નિહાળી હતી. આ ઉપરાંત કાંઠા વિસ્તારનાં ગામોનાં અગ્રણીઓ તથા માછીમારો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેઓને સંભવિત શંકાસ્પદ ગતિવિધિ ઉપર વોચ રાખવા તથા કોઇ અજાણ્યા વ્યક્તિઓની અસાહજીક ગતિવિધિ ધ્યાને આવે તો તુરંત પોલીસને જાણ કરવા સમજ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા કાંઠા વિસ્તારોમાં આવેલ ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવતાં હોવાની બાબતને પણ રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાંથી લેવામાં આવી છે. સરકારની સૂચનાથી પોલીસ કમિશનરે આગામી ૧૫મી મે સુધી ડ્રોન ઉડાવવા, આતશબાજી કરવા અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે.
દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ
છેલ્લા બે દિવસથી ભારત - પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને પગલે દેશનાં સરહદી વિસ્તારો પર સંભવિત હુમલાનું જાેખમ ઉભું થયું છે. આ સ્થિતિમાં સુરત શહેર - જિલ્લામાં પણ દરિયા કાંઠા વિસ્તારો પર સવારથી જ પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ ઉચ્ચાધિકારીઓ સહિતનાં કાફલા દ્વારા હાલમાં દરિયાઈ વિસ્તારોમાં પ્રત્યેક શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડોને આધુનિક હથિયારો સાથે ડેપ્યૂટ કરવામાં આવ્યા છે. આ મરીન ટાસ્ક ફોર્સ, મરીન કમાન્ડો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે સ્થિતિ પર વોચ રાખી રહ્યા છે.
સોશિયલ મીડિયા ઉપર સાયબર સેલની વોચ
કમિશનર ગહલૌતે જણાવ્યું હતું કે, યુદ્ધ જેવી સ્થિતિમાં ભ્રામક વાતો પેનિક ક્રિએટ કરતી હોય છે. પાયા વિહોણી વાતોના મેસેજ પર ધ્યાન નહીં આપવા પણ તેમણે અપીલ કરી હતી. સાથે જ આવા ખોટા મેસેજ ફરતાં અટકાવવા માટે સાયબર સેલની ટીમ કાર્યરત કરાઇ હોવાનું પણ ગહલૌતે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોઇપણ વ્યક્તિ ખોટા, ભ્રામક મેસેજીસ કરી પેનિક ક્રિએટ કરનારા તથા સૈન્યનાં જવાનોનું મોરલ ડાઉન થાય કે તેમની કામગીરી અંગે ખોટા મેસેજ કરાયા હોવાનું જણાશે તો તેની સામે તુરંત ગુનો નોંધી ફોજદારી કાર્યવાહી કરાશે.
સાયબર એટેક અંગે એલર્ટ રહેવા અપીલ
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હાલ ટેકનોલોજીનો યુગ છે. હવે યુદ્ધ સહિતની દરેક બાબત ટેકનોલોજી સાથે જાેડાઈ ચૂકી છે. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એમાં સાયબર એટેરની શક્યતા વધી જાય છે. સાયબર એટેક કોઇ માટો નાણાકીય સંસ્થાનો, કંપનીઓ કે મોટા ઇન્સ્ટિટ્યુટમાં જ થાય એવું નથી, સાયબર એટેક વ્યક્તિગત, સોશિયલ મીડિયા થકી પણ થઇ શકે છે. સોશિયલ મીડિયામાં યુદ્ધનાં નામે કોઈ શંકાસ્પદ ફોટો કે વીડિયોની ફાઇલ આવે તો તેને ઓપન નહીં કરવા પણ ગહલૌતે તાકીદ કરી હતી. આ ફાઇલ સાયબર એટેકનું ટુલ હોય શકે છે. એની વિશેષ તકેદારી રાખવી, ઉત્સાહ કે કુતુહલવશ પણ તેને ખોલવી નહી. આ માટે વ્યક્તિગતથી માંડી સંસ્થાકીય સુરક્ષા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરિયાકાંઠે ચેકપોસ્ટ ઉભી કરાઇ છે, પરપ્રાંતિય શ્રમજીવીઓનું વેરિફિકેશન ફરજિયાત કરાયું છે : પોલીસ કમિશનર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તણાવગ્રસ્ત સ્થિતિને પગલે આજે હજીરા ઔદ્યોગિક વિસ્તાર અને દરિયાકાંઠાની મુલાકાત લેનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે, દરિયાકાંઠે ખાસ ચેકપોસ્ટ ઉભી કરાઇ છે, વ્હીકલ ચેકિંગ તેમજ મરિન પેટ્રોલિંગ પણ સઘન બનાવાયું છે. હજીરાનાં ઉદ્યોગોમાં પરપ્રાંતમાંથી આવતાં શ્રમજીવીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમણે ભયનો માહોલ પેદા કરનારા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મેસેજાે ઉપર ધ્યાન નહીં આપવા માટે પણ લોકોને અપીલ કરી છે.