પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨૦ શાળાના ૨૯૭૫૭ વિદ્યાર્થીની આજથી પરીક્ષા શરૂ
16, ઓક્ટોબર 2024

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં આવતીકાલથી સત્રની અંતિમ પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પ્રથમવાર ટેન્ડર પ્રક્રિયા કરીને પ્રશ્નપત્રો છપાવવામાં આવ્યા છે. ગત વર્ષે પેપર લીકની ઘટના બાદ ચાલુ વર્ષે શિક્ષણ સમિતિ દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવાઇ છે.

આવતીકાલથી ધો.૩ થી ૮ ની પ્રથમ કસોટીની શરૂઆત થશે. જે પહેલા એજન્સીમાંથી છપાઇને આવેલા પ્રશ્નપત્રો સાચવવા માટે શિક્ષણ સમિતિ દ્વારા ડોંગરેજી મહારાજ સાહળામાં કંટ્રોલ રૂમ તેમજ મુખ્ય કચેરી ખાતે ખાસ સ્ટ્રોંગ રૂમ બનાવાયો છે. જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે પેપર સાચવવામાં આવી રહ્યા છે. સમિતિ દ્વારા ૧૦ ટકા પેપર રિઝર્વ રખાશે, જેથી કોઇ જગ્યાએ પેપર ખૂટે તો તાત્કાલિક ધોરણે તેને મોકલી શકાય. આ ઉપરાંત શાળા કક્ષાએ પણ ૧૦ ટકા પેપર રિઝર્વ રખાશે.

આવતીકાલથી શરૂ થતી પરીક્ષામાં ગુજરાતી માધ્યમની ૧૦૩, હિન્દી માધ્યમની ૧૩ અને અંગ્રેજી માધ્યમની ૪ શાળા મળી કુલ ૧૨૦ શાળામાં ૨૯,૭૫૭ જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓ માટે પેપર તૈયાર કરવાની જવાબદારી ખાનગી એજન્સીને સોંપાઈ છે. ડાયટના શિક્ષકો દ્વારા પેપર કાઢીને તેના સેટ સમિતિને મોકલ્યા હતા. જેમાંથી પેપર પસંદ કરીને એજન્સીને પ્રશ્નપત્ર તૈયાર કરવા માટેની કામગીરી સોંપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution