વડોદરા : રાજ્યભરમાં લૂંટના અસંખ્ય ગુનાઓને અંજામ આપનાર ડફેર ગેંગના ત્રણ સભ્યો કોઈ લૂંટ કરે એ પહેલાં જ ઝડપી લેવામાં પીસીબીની ટીમને સફળતા મળી છે. હાઈવે પર તીક્ષ્ણ હથિયારોથી ટ્રક ડ્રાઈવરોને બાનમાં લઈને લૂંટ કરતી ડફેર ગેંગ પાસેથી પોલીસે હથિયારો અને લૂંટના મનાતા મોબાઈલ ફોન નંગ-૮ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીસીબીના પીઆઈ જે.જે.પટેલને બાતમી મળી હતી કે કચ્છથી લઈ મુંબઈ અને રાજસ્થાન સુધી હાઈવે રોબરીમાં સંડોવાયેલ ખૂનખાર ડફેર ગેંગના ત્રણ ઈસમો શહેર નજીકથી પસાર થતા હાઈવેનલી વાઘોડિયા ચોકડી નજીક લૂંટના ઈરાદે ફરી રહ્યા છે જેના આધારે પીએસઆઈ કરડાણી અને એએસઆઈ હરીભાઈની ટીમને તાત્કાલિક રવાના કરી હતી. પીસીબીની ટીમે વાઘોડિયા ચોકડી પહોંચી તપાસ કરતાં બ્રિજના છેડે શંકાસ્પદ હિલચાલ કરતા ત્રણ ઈસમોને ઝડપી લઈ તલાશી લેતાં ત્રણેય પાસેથી ધારદાર છરા મળી આવ્યા હતા. વધુ પૂછપરછ કરતાં તેઓ આંતરરાજ્ય ડફેર ટોળકીના સદસ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ત્રણેય પાસેથી કબજે કરાયેલા આઠ મોબાઈલ અમદાવાદથી અંકલેશ્વર વચ્ચે જુદા જુદા સ્થળોએ ચલાવેલી લૂંટ દરમિયાન આંચકી લીધા હોવાની કબૂલાત કરતાં ત્રણેય લુંટારુંઓને પોલીસ ભવન પીસીબીની ઓફિસે લવાયા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન ઝડપાયેલાઓએ હાઈવે ઉપરથી પસાર થતી ટ્રકોમાં બેસી ડ્રાઈવરોને બાનમાં લઈ રોકડ રકમ, કીમતી ચીજવસ્તુઓ લૂંટી લેતા હોવાની કબૂલાત કરી હતી.

ઝડપાયેલા લોગભાઈ તૈયબભાઈ ભટ્ટી (રહે. સાંતલપુર) વિરુદ્ધ મહેમદાવાદ અને ભીમાસરમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અબ્દુલ મુરાદ ભટ્ટી (રહે. રાણેસર, સાંતલપુર) સામે અંજાર, મુદ્રા, ગાંધીધામ, પાટણ ખાતે ૧૦ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અમીન કાસમ પઠાણ (રહે. ગડસઈ, સાંતલપુર) સામે બેચરાજી, લાંઘણજ, વસઈ, મહેસાણા ખાતે ૧૦ ગુનાઓ નોંધાયેલા હોવાનું પીસીબીએ શોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.