વડોદરા : બરાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નર સમાજના અગ્રણી વીણાકુંવર ઉર્ફ વીણામાસીને આણંદ જિલ્લાના મલાતજ ગામમાં આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા જતા હોઈ તેનો વિરોધ કરી રહેલા મલાતજ ગામના અન્ય મેલડી માતાના મંદિરના ભુવા તેમજ તેમના સાગરીતો જાણીતા સીંગર પ્રવિણ લુણી અને ગાજરાવાડીના ભુવાએ વીણા માસીને મલાતજ રોડ પર જશો તો મારીને કેનાલમાં ફેંકી દેવાની ફોન પર ધમકી આપી હતી.આ અંગેની વીણામાસીએ ચાર વ્યકિતઓ વિરુધ્ધ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

બરાનપુરા વિસ્તારમાં શિવાજીચોક પાસે સિધ્ધેશ્વર મહાદેવની ગલીમાં રહેતા કિન્નર સમાજના અગ્રણી તેમજ ગુજરાત કિન્નર સમાજના મંત્રી મહામંડલેશ્વર ૧૦૦૮ વીણાકુંવર શીતલકુમાર મિસ્ત્રી આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકા સ્થિત મલાતજ ગામમાં આવેલા જયેશભાઈના વિહત મેલડી માતાના સ્થાનક પર અવારનવાર દર્શન કરવા તેમજ ભક્તોના દુઃખ દર્દ દુર કરવા આર્શિવાદ આપવા માટે જાય છે. તે જયેશભાઈના મંદિરે જતા ત્યાં ભક્તોની ભીડ વધવા માડી છે . દરમિયાન મલાતજ ગામમાં આવેલા રાજુ ઉર્ફ રાજાભગત લક્ષ્મણ રબારીના મેલડી મંદિરમાં ભક્તો પણ જયેશભાઈના મેલડી માતાના સ્થાનક પર જવાની શરૂઆત કરતા રાજાભગત અને તેના પુત્ર અંકિતના પેટમાં ફાળ પડી હતી. આ અંગે તેઓએ તેઓના સાગરીત જાણીતા ગુજરાતી ડાયરના કલાકાર પ્રવિણ કરશન લુણી (ઉંડેરાગામ, વડોદરા)ને તેમજ માતાની ભુવા બળવંત પરમાર (ગોમતીપુરા, ગાજરાવાડી, વડોદરા)ને વીણા માસી વિરુધ્ધ ફરિયાદ કરી હતી.

તેઓ વીણા માસીને આ અંગે વારંવાર ફોન કરીને મલાતજ ગામમાં નહી જવા માટે દબાણ કરી જણાવતા હતા કે તમે મફતમાં કામ કરો છો તેના લીધે અમારા માતાના ત્યાં આવતા ભગતો બંધ થઈ જાય છે જેથી તમે જયેશભાઈના મંદિરમાં જવાનું બંધ કરી દો. જાેકે વીણામાસીએ તેઓની વાતને નહી ગણકારતા ઉક્ત ચારેય ઈસમોએ તેમને ફોન પર ધમકી આપી હતી કે તમે આણંદના પીપળાવથી મલાતજ જવાના રોડ પરથી પસાર થશો તો તમને મારીને ત્યાં આવેલી કેનાલમાં ફેંકી દઈશું. આ ધમકી અંગે વીણામાસીએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજાભગત રબારી તેનો પુત્ર અંકીત તેમજ સિંગર પ્રવિણ લુણી અને વડોદરાના ભુવા બળવંત પરમાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.