ચંદીગઢ-

પંજાબ પોલીસે રાજ્યમાં એક "મોટા આતંકવાદી હુમલો" ટાળ્યો છે. ગુપ્તચર માહિતીના આધારે, પંજાબ પોલીસે બે ગુનેગારોની ધરપકડ કરી છે અને પાકિસ્તાન દ્વારા સમર્થિત ખાલિસ્તાન તરફી આતંકવાદી મોડ્યુલનો ખુલાસો કરવાનો દાવો કરાયો છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા લોકોની પ્રારંભિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ પાંચ અન્ય ગુનેગારો સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમાંથી એક આતંકી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (કેઝેડએફ) નો સક્રિય સભ્ય છે. જેનું નામ શુભદીપ સિંહ છે. હાલ તે અમૃતસરની જેલમાં બંધ છે.

પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલ દિનકર ગુપ્તાએ મંગળવારે જણાવ્યું હતું કે "ખાલિસ્તાન તરફી તત્વોએ આતંકવાદી હુમલો કરવાની કોશિશ કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના આધારે દરોડા પછી અમને પાકિસ્તાન સમર્થિત મોડ્યુલ મળ્યું છે." પોલીસના જણાવ્યા અનુસાર તરણ તારણ જિલ્લાનો હરજીત સિંહ અને શમશેર સિંઘ સર્ચ અને ચેકીંગ ઓપરેશન દરમિયાન ઝડપાયો છે.

પોલીસે તેમની પાસેથી છ શસ્ત્રો (એક 9 મીમીની પિસ્તોલ, ચાર .32 કેલિબર પિસ્તોલ અને 32 બોર રીવોલ્વર), દારૂગોળો, કેટલાક મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ ડોંગલ કબજે કર્યા છે. તેમની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારો અધિનિયમ, 2019 ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના શુભદીપસિંઘ વિશે માહિતી આપતાં પોલીસ મહાનિદેશકએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ચીનમાં બનાવેલું ડ્રોન મળી આવ્યું હતું.