28, એપ્રીલ 2025
ખંભાત |
મહોલ્લામાં રહેતો યુવાન બિસ્ટિક ખવડાવાવની લાલચે બાળકીને ખેતરમાં લઇ ગયો હતો
મધ્ય ગુજરાતના ખંભાત પાસે આવેલા કાણીસા ગામે બેસતા વર્ષના દિવસે સાત વર્ષની બાળકીને તેના જ મહોલ્લાનો અર્જુન ગોહેલ બિસ્કિટ આપવાની લાલચે ગામમાંથી બહાર ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેના પર રેપ કર્યા બાદ તેની હત્યા કરીને લાશને કાંસમાં નાખી દીધી હતી. ગુના બદલ ખંભાતના સેશન્સ કોર્ટના સેકન્ડ ઍડિશનલ સેશન્સ જજ પ્રવીણકુમારે આરોપી અર્જુન ગોહેલને દોષી ઠેરવીને ગઈ કાલે ડબલ ફાંસીની સજા ફટકારી હતી. આણંદ પંથકમાં આ પહેલો એવો કેસ છે, જેમાં આરોપીને ડબલ ફાંસીની સજા ફટકારાઈ હોય.
૨૦૧૯માં ૮મી ઓક્ટોબરે બેસતા વર્ષના દિવસે ઘટના બની હતી
સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયુટર રઘુવીર પંડ્યાએ આ કેસ વિશે જણાવ્યું હતું કે, ૨૦૧૯ની ૨૮ ઑક્ટોબરે, બેસતા વર્ષના દિવસે ઘટના બની હતી, જેમાં કાણીસા ગામે બહેનપણીઓ સાથે સંતાકૂકડી રમી રહેલી સાત વર્ષની બાળકીને તેના જ મહોલ્લામાં રહેતો અર્જુન ગોહેલ બિસ્કિટ આપવાના બહાને બહાર લઈ ગયો હતો. તે જ્યારે આ છોકરીને લઈ જતો હતો ત્યારે ત્યાં રમતી બીજી છોકરીઓ પણ તેની સાથે થઈ હતી, પણ આરોપી તેમને સમજાવી સાથે લઈ ગયો નહોતો. આરોપી છોકરીને ગામના બજારમાંથી ખેતર સુધી લઈ ગયો હતો અને બપોરે તેની સાથે દુષ્કર્મ કરીને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેની લાશને પાણીના કાંસમાં નાખી દીધી હતી.
છોકરી ગુમ થતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરતાં મૃતદેહ કાંસમાંથી મળ્યો
બીજી તરફ છોકરી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, જેમાં પાણીના કાંસમાંથી તેનો મૃતદેહ મળી આવી હતી. તેના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હતું. આ ઘટનાને પગલે પોલીસને બોલાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરીને આરોપીની રાતે જ ધરપકડ કરી લીધી હતી. આરોપી જ્યારે મહોલ્લામાંથી આ છોકરીને લઈને ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ત્રણ જણે જાેયો હતો.’
હત્યા અને પોક્સોની બે જુદી જુદી કલમમાં બે ફાંસીની સજા સંભળાવાઇ
આ કેસમાં પોલીસે અપહરણ, મર્ડર, પુરાવાનો નાશ કરવો તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટ સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે, ફૂલ જેવી નાનકડી બાળકી સાથે આવું વર્તન કર્યું એ રૅરેસ્ટ ઑફ ધ રૅર કેસ છે એટલે આરોપીને મહત્તમ સજા ફટકારવામાં આવે. આ કેસમાં ઍડિશનલ સેશન્સ જજ પ્રવીણકુમારે મર્ડર અને પૉક્સોની કલમ (૬) હેઠળ જાતીય હુમલાના ગુનામાં તકસીરવાર ઠેરવીને ડબલ ફાંસીની સજા ફરમાવી હતી. એટલે કે બે જુદા-જુદા ગુના, એક મર્ડર તેમ જ બીજા પૉક્સોની કલમ (૬) હેઠળ જાતીય હુમલાના ગુનામાં અલગ-અલગ રીતે ફાંસીની સજા સંભળાવી હતી.
આરોપી સામે દોઢ મહિના પહેલા ચાર્જશીટ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છેકે, ગુનામાં ૨૪ વર્ષના આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ વિરુદ્ધ દોઢ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.