ભારતે પાકિસ્તાન સાથેના તમામ આર્થિક વ્યવહાર બંધ કર્યા 
03, મે 2025 નવી દિલ્હી   |  

આતંકવાદના આશ્રયસ્થાન પાકિસ્તાનને ફરી એકવાર પાઠ ભણાવવા માટે ભારતે એક મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓની સીધી કે પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. 2 મેના રોજ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પછી, પાકિસ્તાનથી આવતા કોઈપણ ઉત્પાદનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પછી ભલે તે ત્રીજા દેશ દ્વારા સીધી કે પરોક્ષ રીતે આયાત હોય. 

ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલ આ પ્રતિબંધને વિદેશ વેપાર નીતિ 2023માં એક નવી જોગવાઈ તરીકે ઉમેરવામાં આવ્યો છે. જેના સંદર્ભમાં વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT) એ સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ પણ સંજોગોમાં આયાતની મંજૂરી આપવામાં આવે છે, તો તેના માટે ભારત સરકારની વિશેષ મંજૂરીની જરૂર પડશે.

પહેલગામ હુમલા પછી વધતા તણાવને જોઈને, ભારત સરકારે અગાઉ પાકિસ્તાન પર આર્થિક સકંજો કડક કરવાની તૈયારી કરી હતી. આ વ્યૂહરચના હેઠળ, ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ને પાકિસ્તાનને આપવામાં આવેલી લોનની સમીક્ષા કરવા જણાવ્યું છે. ઉપરાંત, તેણે પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટમાં સામેલ કરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે. FATFની ગ્રે લિસ્ટમાં સામેલ થવું અને IMF દ્વારા લોન મંજૂર ન કરવી એ પાકિસ્તાનના અર્થતંત્ર માટે મોટો ફટકો હશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution