સિડની

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને આ પ્રવાસમાં ઘણા બધા વિવાદ સામે આવ્યા છે. હવે સ્ટીવ સ્મિથ ચાલુ મેચમાં એવી હરકત કરતાં પકડાયા છે કે મોટી કાર્યવાહી થઈ શકે છે.

ભારતીય બોલર મોહમ્મદ સિરાઝ પર અભદ્ર ટિપ્પણીઓ કરવાનો મુદ્દો હજુ શાંત થયો નથી ત્યાં સિડની ટેસ્ટ મેચમાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ ડર્ટી જેમ કરતાં નજર આવ્યા હતા. સીરિઝની ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે અને મેચના પાંચમાં દિવસે ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ તાબડતોડ બેટિંગ કરી હતી અને પંત વનડે સ્ટાઈલમાં જ બેટિંગ કરતાં દેખાયા હતા. 


શું છે મામલો ? 

પંત ખૂબ સારી બેટિંગ કરી રહ્યા હતા અને તેનું ધ્યાનભંગ કરવા માટે સ્ટીવ સ્મિથે પ્રયત્નો ચાલુ કરી દીધા. ડ્રિંકના સમયમાં સ્ટીવ સ્મિથ ચુપકેથી પિચ પર આવ્યા અને બેટ્સમેનના માર્કવાળી જગ્યાને બૂટથી ઉખેડી નાખી. જોકે પંત જ્યારે પાછા આવ્યા તો અમ્પાયરને પૂછીને ફરીથી માર્ક સેટ કરાવી દીધું. 

સ્મિથની આ હરકત હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જોકે આ વીડિયોમાં ક્રિકેટરનો ચેહરો દેખાઈ રહ્યો નથી પરંતુ તેની જર્સી પર 49 નંબર છે જે સ્મિથ પહેરે છે. 

નોંધનીય છે કે આ પહેલા પણ સ્મિથે રમતને બદનામ કરવાના કારનામાં કર્યા છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બોલ ટેમ્પરિંગના આરોપમાં સ્મિથ પર એક વર્ષનો બેન લગાવવામાં આવ્યો હતો. 

શું કાર્યવાહી થશે? 

સ્ટીવ સ્મિથે જે કર્યું છે તે આઇસીસીની આચાર સંહિતાનો ભંગ છે. આ હરકતને અનુચિત ખેલની શ્રેણીમાં ગણવામાં આવે છે. નિયમ અનુસાર જો કોઇ વ્યક્તિ જાણી જોઈએ પિચને નુકસાન પહોંચાડે છે તો તેને અપરાધ માનવામાં આવે છે. આઇસીસીના સંજ્ઞાનમાં આવતા જ કડક સજા કરવામાં આવી શકે છે.