16, ઓક્ટોબર 2024
ગાંધીનગર કેન્દ્ર સરકાર દ્વારા આજે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરાયો છે. ત્યારે ગુજરાતનાં કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવે તેવી રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને રજૂઆત કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ) અને પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર)ના વધારાના હપ્તાને મંજૂરી આપવામાં આવી છે. તા. ૦૧.૦૭.૨૦૨૪ ભાવ વધારા સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના ૫૦ ટકા ના વર્તમાન દર કરતાં ત્રણ ટકા (૩%)નો વધારો કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો અપાયો છે. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુ દેસાઇને પત્ર પાઠવીને રજૂઆત કરાઇ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરાઇ છે કે, કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી- કર્મચારીઓને પગાર પંચ તેમજ અન્ય લાભો લાગુ પાડવાનું રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઇ-૨૦૨૪ની અસરથી મોંઘવારી ભથ્થાના દરમાં ૩ ટકાનો વધારો કરીને ૫૦ ટકાથી વધારીને ૫૩ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરાઇ છે કે, હાલની અસહ્ય મોંઘવારી તેમજ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં જુલાઇ ૨૦૨૪ની અસરથી ૩ ટકા મોંઘવારી ભથ્થું આપીને ૫૩ ટકા કરવા અંગેનો હુકમ બહાર પાડવામાં આવે, તો દિવાળીના તહેવારમાં કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી જાેવા મળશે. આથી રાજ્યના અધિકારી-કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ૩ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરાઇ છે.