14, મે 2025
સુરત, સુરત શહેરમાં આવેલા સિંગણપોર સુકુન હાઈટ્સમાં રહેતા વૃધ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. વૃદ્ધે લોનના હપ્તા સમયસર ન ભરાતા માનસિક ટેન્શનમાં આવી આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપર ગામના વતની અને હાલ સિંગણપોર સુકુન હાઇટ્સમાં ૬૦ વર્ષીય અમરસિંહભાઈ જેરામભાઈ મોરડીયા એકના એક પુત્ર સાથે રહેતા હતા. અમરસિંહભાઈ હીરા બજારમાં જતા હતા અને તેમનો પુત્ર પણ હીરામાં કામ કરે છે. પરંતુ હાલ હીરામાં મંદીને કારણે પુત્ર એ હીરાનું કામ છોડી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અમરશીભાઈને ઘરની લોન સહિત અન્ય નાની મોટી લોન ચાલુ હતું. પરંતુ હાલ ઘણા સમયથી કામ ધંધો બરાબર નહીં ચાલતા લોનના હપ્તા સમયસર ભરાતા ન હોવાથી માનસિક ટેન્શનમાં રહેતા હતા. દરમિયાન અમરસિંહ ભાઈએ આર્થિક સંકડામણમાં આવી ગઈ કાલે બપોરે સિંગણપોર કોઝવે રોડ પર આવેલ જીવ વિલા રેસ્ટોરન્ટ નજીક ઝેરી દવા પી લીધી હતી. જેથી પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે ગઈકાલે બપોરે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત રાતે મોત થયું હતું. આ અંગે વધુ આગળની તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે.