વડોદરા, તા.૨૧

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ રહી હતી. સુભાનપુરા હાઈટેન્શન રોડ ઉપર ઇન્દિરા નગર સુભાનપુરા ખાતે પ્લોટ પર વર્ષોથી કરવામાં આવેલ ૪૩ કાચા- પાકા ઝુંપડાઓ સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. હાઈ ટેન્શન રોડ, અમીન પાર્ટી પ્લોટ ની બાજુમાં ગેરકાયદે બનેલા પતરા નો શેડ તોડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ મેયર અને સ્થાનિક કાઉન્સિલરોએ દબાણો હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર અને વિસ્તારના કોર્પોરેટરો પહોંચ્યા હતા. મેયર સાથે વોર્ડનાં સ્થાનિક અધિકારીઓ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ પણ જાેડાઈ હતી. મેયર કેયુર રોકડિયાએ દબાણ હટાવવાની કામગીરીની નિરિક્ષણ બાદ કહ્યુ હતુ કે વર્ષોથી અહિં ગેરકાયદેસર દબાણો મનપાનાં પ્લોટ પર કરવામાં આવ્યા હતા. આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે, હવે મનપા દ્વારા શાકમાર્કેટ સહિત જીમ અને સ્વિમિંગ પૂલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. યસ કોમ્પલેક્ષ પાસે ગોત્રી શાક માર્કેટ આવેલ છે. ત્યાં શાક માર્કેટના કારણે ટ્રાફિકના પ્રશ્નો સર્જાય છે, લોકોને હાલાકીઓ ભોગવવી પડે છે. અને એટલે શાક માર્કેટ ખસેડીને અહિં ખસેડવામાં આવશે.