10, મે 2025
વડોદરા : ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશને નેટ 1500 મેગાવોટ થર્મલ પાવર સપ્લાય કરવા માટે તેણે તીવ્ર સ્પર્ધાત્મક બિડ જીતી લીધી છે. આ કરારના ભાગ રૂપે કંપની રાજ્યમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (ડીબીએફઓ) મોડેલ હેઠળ નિર્માણ થનારા ગ્રીન ફિલ્ડ 2x800 મેગાવોટ (1500 મેગાવોટ) ના અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી યુનિટ દીઠ રુ. 5.383ના ઉંચા સ્પર્ધાત્મક દરે વીજળી પૂરી પાડશે.
ઉત્તર પ્રદેશની કેબિનેટે ચાલુ મહિનાની શરૂઆતમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.ત્યારબાદ કંપનીને આજે મળેલા લેટર ઓફ એવોર્ડ (એલઓએ) હેઠળ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (યુપીપીસીએલ) સાથે લાંબા ગાળાના પાવર સપ્લાય કરાર (પીએસએ) પર હસ્તાક્ષર કરશે. અદાણી પાવરના સી.ઇ.ઓ.એસ.બી. ખ્યાલિયાએ આ વિષે આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજ્યની ઝડપથી વિકસતી વીજ માંગને પહોંચી વળવા માટે અગ્રણી ભૂમિકા નિભાવવા માટે 1,500 મેગાવોટ વીજળી પૂરી પાડવા માટે યુપીમાં આધુનિક અને નીચા ઉત્સર્જન અલ્ટ્રા-સુપરક્રિટિકલ પ્લાન્ટનું નિર્માણ કરી નાણા વર્ષ-30 સુધીમાં વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાવાળી વીજળીનો પૂરવઠો પૂરો પાડવાનું અમાારું લક્ષ્ય છે.
ખ્યાલિયાએ કહ્યું કે પ્લાન્ટ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે અદાણી પાવર 2 અબજ ડોલરનું રોકાણ કરશે. આ પ્રકલ્પના બાંધકામના તબક્કા દરમિયાન 8,000-9,000 જેટલી સીધી અને પરોક્ષ રોજગારીની તકો તેમજ આ પ્રકલ્પ કાર્યરત થયા બાદ 2,000 રોજગારીની તકોનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિકીકરણ જેવા પરિબળોને કારણે યુપીમાં 2033-34ના વર્ષ સુધીમાં થર્મલ પાવરની માગમાં 11,000 મેગાવોટનો વધારો જોવા મળી શકે છે.1,500 મેગાવોટનો આ આદેશ એ ભવિષ્યની માંગને પહોંચી વળવા સરકારની દૂરંદેશી પહેલ દર્શાવે છે.
સપ્ટેમ્બર 2024માં મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની લિ. તરફથી 1600 મેગાવોટ થર્મલ અને 5000 મેગાવોટ સોલર મળી કુલ 6,600 મેગાવોટ માટે એલઓઆઈ હાંસલ કર્યા બાદ અદાણી પાવર કંપનીએ છેલ્લા એક વર્ષમાં આ બીજી મોટી બિડ જીતી છે, જે ત્યારબાદ પીએસએમાં રૂપાંતરિત કરવામાં આવી છે.