ગૂગલે ફરી છટણી કરી : 200 કર્મચારીને કાઢી મૂક્યા
08, મે 2025 ન્યુયોર્ક   |  

ગયા મહિને સેંકડો કર્મચારીઓની છટણી કર્યા પછી, ગૂગલે ફરીથી ૨૦૦ કર્મચારીની છટણી કરી છે. છટણી કરાયેલા તમામ કર્મચારી કંપનીના ગ્લોબલ બિઝનેસ યુનિટમાં ફરજ બજાવતા હતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ થઈ રહેલા ઝડપી ફેરફારોને ધ્યાનમાં રાખીને કંપનીના ચાલુ ઓપરેશનલ સુધારાઓનો આ એક ભાગ છે.

છટણીની જાણ સૌપ્રથમ ધ ઇન્ફોર્મેશન દ્વારા એક અહેવાલમાં કરી હતી. ગૂગલ સહિતની બધી મોટી ટેક કંપનીઓ ડેટા સેન્ટરના વિસ્તરણ અને AI વિકાસ પર તેમના રોકાણને બમણું કરી રહી છે. આ કારણે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટએ તેના સંસાધનોની ફાળવણી કરવાની રીત બદલી નાખી છે. ગયા મહિને જ, ગૂગલે પ્લેટફોર્મ અને ડિવાઇસ ડિવિઝનમાંથી સેંકડો કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જેમાં એન્ડ્રોઇડ, પિક્સેલ અને ક્રોમનો સમાવેશ થતો હતો. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટએ ૨૦૨૩ની શરૂઆતમાં ૧૨૦૦૦ કર્મચારીને છૂટા કરવાની યોજનાની જાહેરાત કરી હતી. ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં, ગૂગલમાં ૧,૮૩,૦૦૦થી વધુ કર્મચારીઓ હોવાનો અંદાજ હતો.

ગૂગલ એકલું નથી, ઘણી અન્ય મોટી ટેક કંપનીઓએ પણ તાજેતરના મહિનાઓમાં તેમના કર્મચારીઓની છટણી કરી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ તેના કુલ કર્મચારીઓમાંથી લગભગ ૫ ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. માઇક્રોસોફ્ટે તેના Xbox વિભાગમાં છટણી કરી. જ્યારે એમેઝોન અને એપલે પણ તેમના કેટલાક યુનિટમાં સ્ટાફ ઘટાડ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution