09, મે 2025
વડોદરા |
ટ્રાવેલ્સ સંચાલકો મુશ્કેલીમાં, હોટલ રૂમના ભાવ અડધા થયા
પહેલગામ હુમલા બાદ જ જમ્મુ-કાશ્મીર જતા પ્રવાસીઓએ પોતાનાં બુકિંગ રદ થયા હતા. ત્યારે ટ્રાવેલ સંચાલકોના માથે વધુ એક ઝટકો આવ્યો છે. હાલની ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં અમરનાથ યાત્રાના બુકિંગ પણ રદ થઈ રહ્યા છે. બીજી તરફ રાજસ્થાન સહિતના ફરવા લાયક સ્થળોના બુકિંગ પણ રદ થઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં વડોદરા વાસીઓ પોતાનું ઘર છોડી ફરવા જવા તૈયાર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અમરનાથ યાત્રા માટે વડોદરા સહિત રાજ્યભરમાંથી હજારો યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. જોકે હાલની સ્થિતિને ધ્યાને રાખી યાત્રાળુઓ દ્વારા યાત્રાને એક મહિના જેટલો સમય બાકી હોવા છતાં બુકિંગ રદ કરાવવામાં આવી રહ્યા છે.
૨૫ મી જુલાઇ ૨૦૨૫ થી ૧૯ મી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન અમરનાથ યાત્રા માટેના રજીસ્ટેશન ગત મહિને શરૂ થયા હતા. જેમાં વડોદરા સહિત રાજ્યભરમાંથી હજારો યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યા છે. એવામાં હાલની સ્થિતિને ધ્યાને રાખી યાત્રાળુઓ દ્વારા યાત્રાનો પ્રવાસ રદ કરવાની શરૂઆત કરી છે. જેના પગલે પહેલ પહેલગામ અને હવે, અમરનાથ યાત્રાના બુકિંગ રદ થતાં ટ્રાવેલ સંચાલકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. એટલું જ નહીં પ્રાપ્ત વિગતો અનુસાર અમરનાથ યાત્રા સ્થળની હોટલના ભાવમાં પણ વધારો થયો છે. તેમજ અન્ય ફરવા લાયક સ્થળોના બુકિંગ પણ રદ થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
સામાન્ય રીતે મે મહિનામાં ૩૦૦૦ રજીસ્ટ્રેશન સામે આ વર્ષે એક પણ રજીસ્ટ્રેશન નથી
જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ફરવા માટે જાણીતી ગુજરાતની જનતા ભયના ઓથારા હેઠળ હોય તેવું લાગી રહ્યું છે. પહેલ પહેલગામ અને હવે, ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડરના માહોલ વચ્ચે આગામી દિવસોમાં અમરનાથ યાત્રામાં વિક્ષેપ પડે એવાં એંધાણ દેખાઈ રહ્યાં છે. ત્યારે હાલમાં વડોદરામાં ટ્રાવેલ્સ સચંલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સામાન્ય રીતે દરવર્ષે મે મહિનામાં અમરનાથ યાત્રા માટે ૩૦૦૦ જેટલા રજીસ્ટ્રેશન થઈ જતાં હોય છે. પરંતુ હાલની સ્થિતિમાં ઇન્ક્વાયરી પણ આવતી ન હોવાનુ સંચાલકો જણાવી રહ્યા છે.
આ અંગે વડોદરાના એક ટ્રાવેલ સંચાલકે જણાવ્યું હતું કે, અમારા દ્વારા પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરની તમામ ટ્રીપ રદ કરવામાં આવી છે. એટલું જ નહીં હવે, પંજાબ, રાજસ્થાન અને અન્ય ફરવા લાયક સ્થળે પણ પરિસ્થિતિ તંગ બની રહી છે. જેનાપગલે આગામી દિવસોમાં માહોલ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ ટ્રીપ રદ કરવી પડે તેવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. તેમજ અમરનાથ યાત્રાને લગતા બુકિંગ પર રદ થઈ રહ્યા છે. તેમજ ઇન્ક્વાયરી પણ આવી રહી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે, જરૂરિયાત ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં. જેના પગલે દેશના અન્ય રાજ્યોની ઇન્ક્વાયરી પણ હાલ આવી રહી નથી. તેમજ જે ઇન્ક્વાયરી આવી હતી અને બુકિંગ થયા હતા તે પણ રદ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીર જતાં લોકો ડરી રહ્યા છે. અમરનાથ યાત્રા પણ સ્થગિત કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે જે હોટલનું બુકિંગ અમે સામાન્ય દિવસોમાં રૂ. ૩૦૦૦-૩૫૦૦ માં કરાવતા હતા તેનો ભાવ પણ હાલમાં રૂ. ૧૨૦૦-૧૫૦૦ થઈ ગયો છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમરનાથ યાત્રામાં વડોદરમાંથી લગભગ લગભગ ૩૫થી ૪૦ બસ યાત્રાળુઓને લઈને જતી હોય છે. પરતું આ વર્ષે હજી એક પણ બસ ભરાય તેટલા બુકિંગ આવ્યા નથી. બીજી તરફ રેલવેની ટિકિટ પણ મળવા લાગી છે. પરંતુ ઇન્ક્વાયરી જ ન હોવાથી બુકિંગ કરાવવું કોનું તે જ પ્રશ્ન થઈ રહ્યો છે. આ પરિસ્થિતિની અસર ચારધામ પર પણ જોવા મળી રહી છે.