12, મે 2025
મુંબઈ |
ઓપરેશન સિંદૂર પછી ચાર દિવસ ચાલેલા પાકિસ્તાન સાથેના સંઘર્ષનો અંત આવ્યા પછી સ્થાનિક શેરબજારે ફરીથી ચમક મેળવી. શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામથી રોકાણકારોની ચિંતાઓ થોડી હદ સુધી ઓછી થઈ, જેની અસર સોમવારે જોવા મળી.
આજે સોમવારે ટ્રેડિંગ અને સપ્તાહના પહેલા દિવસે શરૂઆતના કારોબારમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજાર લીલા નિશાન પર ખુલ્યું અને ગતિની નવી ઊંચાઈઓને સ્પર્શવાનું શરૂ કર્યું. સેન્સેક્સ 1793.73 પોઈન્ટ વધીને 81248.20 પહોંચ્યો. જ્યારે નિફ્ટી 553.25 પોઈન્ટ વધીને 24561.25 પર પહોંચ્યો.
શરૂઆતના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. જ્યારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત ટ્રેન્ટના શેરમાં 5 ટકા, એક્સિસ બેંકમાં 4 ટકા અને શ્રીરામ ફાઇનાન્સમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. આજના કારોબારમાં બેંકિંગ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે ફાર્મા ક્ષેત્રના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી50 પેકમાંથી સન ફાર્મા સૌથી વધુ લુઝર રહ્યો. જેમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો. જ્યારે સિપ્લાના શેરમાં પણ લગભગ 1 ટકાનો ઘટાડો થયો.
શેરબજારમાં તેજી વચ્ચે જે લાર્જ-કેપ કંપનીઓના શેર સૌથી ઝડપી ગતિએ ચાલ્યા તેમાં ટોપ-10 શેરોમાં એક્સિસ બેંક (4%), અદાણી પોર્ટ્સ (3.88%), બજાજ ફિનસર્વ (3.75%), એટરનલ શેર (3.61%), બજાજ ફાઇનાન્સ શેર (3.61%), NTPC શેર (3.50%), ટાટા સ્ટીલ શેર (3.40%), રિલાયન્સ શેર (3.23%), ICICI બેંક શેર (2.90%) અને HDFC બેંક શેર (2.85%)નો સમાવેશ થાય છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોની વાત કરીએ તો મિડકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ એસ્કોર્ટ્સ શેર (7.63%), સુઝલોન શેર (7.32%), ફર્સ્ટ ક્રાય શેર (7.22%), ડિક્સન ટેક શેર (6.40%), RVNL શેર (6.30%), IREDA શેર (5.43%) ઊંચા ટ્રેડિંગમાં હતા. જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં, પંજાબ કેમિકલ (13%) અને KPEL 10% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ગયા અઠવાડિયાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો અને શુક્રવારે, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 80334.81 થી નીચે ગયો અને 78968 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને દિવસભર રેડ ઝોનમાં ટ્રેડિંગ ચાલુ રાખ્યું. બજાર બંધ થતાં સુધીમાં તેનો ઘટાડો ઓછો થયો હોવા છતાં, ઇન્ડેક્સ આખરે 880.34 પોઈન્ટ ઘટીને 79454.47 પર બંધ થયો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ શેરબજારમાં ટ્રેડિંગ બંધ થતાં 265.80 પોઈન્ટ ઘટીને 24008 પર બંધ થયો હતો.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી, બજાર માટે વિદેશમાંથી સારા સંકેતો મળી રહ્યા હતા. જેની અસર પણ જોવા મળી હતી. જ્યાં છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજાર મિશ્ર સ્તરે બંધ થયું. તો સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે મોટાભાગના એશિયન બજારો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના કારોબારમાં ગિફ્ટ નિફ્ટી 525 પોઈન્ટ ઉછળીને 24,610 ના સ્તરે પહોંચ્યો.