05, મે 2025
ગાંધીનગર |
વર્ષ ૨૦૨૪માં ૧.૭૦ કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી
ગુજરાતના ૧૯ એરપોર્ટ પરથી ૧.૪૩ લાખ વિમાને આવન જાવન કરી
ગુજરાતનો નાગરિક ઉડ્ડયન વિભાગ જેટની ગતિએ વિકાસ કરી રહ્યો છે. જેનો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં રાજ્યનાં ચાર ઇન્ટરનેશનલ અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ મળી કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત છે. જેના પરથી અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોની આવન-જાવન નોંધાઈ છે. જેનો લાભ રાજ્યના ૧.૭૦ કરોડથી વધુ યાત્રીએ લીધો છે. જે દર્શાવે છેકે, રાજ્યમાં હવાઈ મુસાફરીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરાંત આ વર્ષે અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરાઇ છે.
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં એર-એમ્બ્યુલન્સની ૫૮ ફ્લાઇટ ઓપરેટ થઈ
રાજ્ય સરકારે નાગરિકોને આપાતકાલિન તબીબી સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે એર-એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે. ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં આવી કુલ ૫૮ ફ્લાઇટ એર-એમ્બ્યુલન્સ તરીકે ઓપરેટ કરાઇ હતી. જેમાં ૨૯ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે અને ૨૯ મેડિકલ ઇમરજન્સી માટેની ફ્લાઇટનો સમાવેશ થાય છે.
રાજ્યના રાજકોટ અને સુરત એરપોર્ટના વિકાસ પાછળ કરોરોનો ખર્ચ
રાજ્ય સરકાર દ્વારા ઉડ્ડયન માળખાને વધુ સુદૃઢ બનાવવા રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઉપરાંત ડિસા ખાતે એરફોર્સ સ્ટેશનના રન-વેને પણ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે વિકસવાઈ રહ્યો છે. યુવાનોને પાયલોટ બનવાની તાલીમ મળી રહે તે માટે મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે. અહીં તાલીમ મેળવીને અત્યાર સુધીમાં ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થાઓ કાર્યરત છે.
હવાઈ સેવા વિકસાવવા રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે એમઓયુ
કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ હેઠળ રાજ્યમાં હાલમાં સાત ફ્લાઇટ સેવાઓ કાર્યરત છે. ઉપરાંત રાજ્ય સરકારની વાયબીલીટી ગેપ ફંડીંગ યોજના હેઠળ પણ વિવિધ આંતરિક હવાઈ સેવાઓ શરૂ કરાઇ છે. આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું સરકારનું આયોજન છે. રાજ્યના એવિએશન સેક્ટરના વિકાસ માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.