05, મે 2025
ગાંધીનગર |
કેન્દ્રની ગુજરાતમાં ૫૬ સહિત દેશભરમાં ૫૦૧ વેસાઇડ એમેનિટીઝને મંજૂરી
હાઇવે પર ૪૦-૬૦ કિમીના અંતરે રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન અને ખાણીપીણીની સુવિધા મળશે
સ્થાનિક વ્યવસાયકારો અને કારીગરોને પ્રોત્સાહન મળશે : રોજગારીની તકોમાં વધારો થશે
દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, દેશના અલગ અલગ નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર ૫૦૧ વેસાઇડ એમેનિટીઝ (WSAs) બનાવવા મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ૫૬ વેસાઇડ એમેનિટીઝ ગુજરાતમાં બનાવમાં આવશે. યોજનાને મંજૂરી મળવાથી ગુજરાતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત અને સુવિધા લક્ષી બનશે.
ગુજરાતમાં ૯ સહિત દેશભરમાં ૯૪ વેસાઇડ એમેનિટીઝ કાર્યરત
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં ૫૦૧ વેસાઇડ એમેનિટીઝને મંજૂરી અપાઈ છે. જેમાંથી ૯૪ કાર્યરત થઈ ગયા છે. જ્યારે વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં દેશભરમાં ૭૦૦થી વધારે વેસાઇડ એમેનિટીઝ શરૂ કરવાનો સરકારનો ટાર્ગેટ છે. ગુજરાતમાં મંજૂર થયેલી ૫૬ વેસાઇડ એમેનિટીઝમાંથી હાલમાં ૯ કાર્યરત છે. જ્યારે બાકીના પણ આગામી સમયમાં કાર્યરત કરવાની કામગીરી હાલ ચાલી કહી છે.
વેસાઇડ એમેનિટીઝ એટલે શું?
વેસાઇડ એમેનિટીઝ એટલે મોટા હાઇવે પર રસ્તાની આસપાસ જરૂરી સુવિધાઓ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મોટા હાઇવે અને એક્સ્પ્રેસવે પરથી પસાર થતા વાહનો માટે વેસાઇડ એમેનિટીઝ પર પાર્કિંગ, ચાર્જિંગ સ્ટેશન, ગુણવત્તાસભર ખાણીપીણીની સુવિધા, રેસ્ટરૂમ અને મેડિકલ સુવિધાઓ ઊભી કરી છે. સરકાર દ્વારા ૪૦થી ૬૦ કિલોમીટરના અંતરે વેસાઇડ એમેનિટીઝ વિકસિત કરી છે. વેસાઇડ એમેનિટીઝમાં નાના વ્યવસાયકારો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઝોન બનાવશે. તેમજ સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે વિલેજ હાટ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરાશે.