સુરતના કામરેજ પાસેનો ખોલવડ બ્રિજ રીપેરીંગ માટે એક મહિનો બંધ કરાયો
11, જુલાઈ 2025 સુરત   |   3168   |  

બાય રોડ મુંબઈ જતાં લોકો મુસાફરીના કલાલો વધી જશે

ગુજરાતથી મુંબઈ જવા માટે હવે કલાકો વધી જશે. સુરતના કામરેજ પાસે નેશનલ હાઈવે-48 પરનો ખોલવડ બ્રિજ આખરે રીપેરીંગ માટે એક મહિનો બંધ કરવાનું જાહેરનામું કલેક્ટરે બહાર પાડ્યું છે. જેને પગલે કીમથી પલસાણાના એના ગામ વચ્ચેનો 46 કિ.મીનો એક્સપ્રેસ-વે ગુરૂવાર થી ખૂલ્લો મુકવાનો નિર્ણય લેવાયો હતો. હવે ભરૂચથી નેશનલ હાઈવેના રસ્તાથી મુંબઈ તરફ જનારાઓએ કીમથી એના સુધી એક્સપ્રેસ વેના રસ્તે જવું પડશે. જ્યારે સુરત શહેર માટે કીમ અને એના ગામ એમ બે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રહેશે.

નેશનલ હાઈવે નં. 48ના કામરેજ ખોલવાડ પાસે તાપી નદી પર આવેલ બ્રિજ છેલ્લા બે વર્ષથી ક્ષતિગ્રસ્ત છે. તેમ છતા તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું નથી. અહીં રોજ હજારો વાહનો પસાર થતા હતા. બ્રિજ ઉપર લોખંડની સાત ફુટની પ્લેટ પણ મુકાઈ હતી. જો કે, બુધવારે વડોદરા પાદરા નજીક મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી જતા તમામ જિલ્લાના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે. ખોલવડ બ્રિજનું રીપેરીંગ શરૂ કરી દેવાયું છે અને તે માટે એક મહિનો વાહન વ્યવહાર માટે બંધ રાખવાનું જાહેરનાનું અધિક જિલ્લા કલેકટરે બહાર પાડી દીધું છે.

આ બ્રિજ બંધ થતા વૈકલ્પિક માર્ગ તરીકે કીમથી પલસાણાના એના ગામ વચ્ચેનો એક્સપ્રેસ-વે ગુરૂવાર રાતથી ખૂલ્લો મુકવા નિર્ણય લેવાયો હતો. નેશનલ હાઇવ નં-48 પર ભરૂચથી મુંબઈ જતા વાહનોએ કીમથી એક્સપ્રેસ-વે થઈને પલસાણાના એના ગામ જવું પડશે અને ત્યાંથી પરત પલસાણા ચોકડી આવીને નેશનલ હાઈવે-48 પર આવી મુંબઈ તરફ જવું પડશે. જ્યારે ભરુચથી નેશનલ હાઇવે થઈને આવનારા સુરતીઓએ કીમ પાસે ઉતરી જઈને સુરત આવવું પડશે. અથવા તો કીમથી પલસાણાના એના ગામ સુધીના એક્સપ્રેસ-વેનો ઉપયોગ કરીને ત્યાંથી પરત સુરતમાં આવવું પડશે. જો કે, તે માટે 60 કિલોમીટરનો લાંબો ચકરાવો લેવો પડશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution