અદાણી જૂથનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) ઇશ્યૂ માત્ર ત્રણ કલાકમાં જ છલોછલ ભરાઈ ગયો
10, જુલાઈ 2025 5445   |  

અદાણી જૂથ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ અડીખમ છે. બુધવારે ૨૨ જુલાઈ સુધી ખુલ્લો મુકાયેલો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) ઇશ્યૂ માત્ર ત્રણ કલાકમાં જ છલોછલ ભરાઈ ગયો હતો. જે રોકાણકારોનો અદાણી જૂથ પરનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે. રૂ.1000 કરોડના બોન્ડે 1400 કરોડથી વધુની બિડ્સ પ્રાપ્ત કરી હતી. જે ઇશ્યૂની સફળતાની નવી ઊંચાઈઓ બતાવે છે. રોકાણકારોની અતિશય માંગને કારણે આ ઈશ્યુ સમય પૂર્વે બંધ થવાની શક્યતા છે. 

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના રૂ.1000 કરોડના બોન્ડ ઇશ્યૂ પર રોકાણકારોનો અપાર વિશ્વાસ બુધવારે બરાબર દેખાયો. અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે ૯.૩ ટકા સુધીનો વાર્ષિક વ્યાજ દર આપવાની ખાતરી આપી છે. જેને રિટેલ રોકાણકારો, હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (HNI) અને કોર્પોરેટ્સે ઉત્સાહથી વધાવી લીધી હતી. આ ઇશ્યૂમાં ભાગ લેનારા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટથી હતા, જે અદાણી બ્રાન્ડ પર લોકોના વિશ્વાસને વધુ મજબૂત કરે છે. રોકાણકારે જણાવ્યું હતું કે “આ ઇશ્યૂની વિશેષતા એ છે કે તેની સફળતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટના મજબૂત સહભાગથી આવી છે. અદાણી નામ જાહેર જનતાના વિશ્વાસ સાથે હંમેશા જોડાયેલુ રહ્યું છે. રિટેલ HNI અને કોર્પોરેટ રોકાણકારોનો ઉત્સાહી પ્રતિસાદ કંપનીની ક્રેડિટ પ્રોફાઇલ અને ભવિષ્યની યોજનાઓ પર વિશ્વાસને પુનઃ પુષ્ટ કરે છે. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં રૂ. 800 કરોડના પ્રથમ NCD ઇશ્યૂની 90 ટકા ગ્રાહ્યતા પ્રથમ દિવસે જ મળી ગઈ હતી. આજે પણ તેણે રોકાણકારોનો વિશ્વાસ અકબંધ જાળવી રાખ્યો છે. વર્તમાન ઇશ્યૂનું પાયાનું કદ રૂ.500 કરોડ છે, જેમાં ઓવર-સબ્સ્ક્રિપ્શન માટે રૂ.500 કરોડ સુધીની વધારાની સંભાવના (ગ્રીનશૂ ઓપ્શન) સાથે રૂ. 1000 કરોડ સુધી પહોંચી શકે છે. રૂ. 1000ની ફેસ વેલ્યૂવાળા આ NCDમાં ઓછામાં ઓછું 10 NCD (રૂ. 10000)નું રોકાણ કરી શકાય છે.

કંપનીએ 6 જુલાઈના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇશ્યૂથી મળતી રકમના ઓછામાં ઓછું 75 ટકા ઋણના પૂર્વ ચુકવણી અથવા રિપેમેન્ટમાં લાગશે, જ્યારે બાકીના 25 ટકા સુધીનો ભાગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution