છત્રપતિ શિવાજી મહારાજના 12 ઐતિહાસિક કિલ્લાઓનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ
12, જુલાઈ 2025 મુંબઈ   |   2475   |  

 12 વિશ્વ ધરોહર કિલ્લાઓ માંથી 11 કિલ્લાઓ મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં છે

છત્રપતિ શિવાજી મહારાજના 12 ઐતિહાસિક કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યુ કે મરાઠા શાસકોની કિલ્લાબાંધવાની રીતનું પ્રતિનિધિત્વ કરનારા મરાઠા મિલિટ્રી લેન્ડસ્કેપ્સને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક તથા સાંસ્કૃતિક સંગઠન યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરાતા આ મહારાષ્ટ્રના લોકો માટે ગર્વની ક્ષણ છે.

આ નિર્ણય પેરિસમાં આયોજીત વર્લ્ડ હેરિટેજ યાદીના 47માં સત્રમાં લેવામાં આવ્યો હતો. CM ફડણવીસે સોશિયલ મીડિયા પર કહ્યુ કે મહારાષ્ટ્ર સરકાર છત્રપતિ શિવાજી મહારાજને નમન કરે છે. મહારાષ્ટ્રના તમામ નાગરીકો અને શિવભક્તોને આ મામલે હાર્દિક અભિનંદન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, યુનેસ્કોએ મહારાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા 12 કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કર્યો છે ત્યારે તે બધા દેશવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે.થોડા દિવસો પહેલા જ, મને રાયગઢ કિલ્લાની મુલાકાત લેવાનું અને છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા પ્રતીકોમાંથી આત્મસાક્ષાત્કાર મેળવવાનું સૌભાગ્ય મળ્યું. આ કિલ્લાઓ હિન્દુ સ્વરાજના રક્ષણના મુખ્ય સ્તંભ રહ્યા છે, અને અહીંથી કરોડો દેશવાસીઓ તેમની માતૃભાષા અને માતૃ સંસ્કૃતિ પ્રત્યે સતત પ્રેરણા મેળવી રહ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજના 12 વિશ્વ ધરોહર કિલ્લાઓ માંથી 11 કિલ્લાઓ મહારાષ્ટ્રમાં રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, પન્હાલા, શિવનેરી, લોહાગઢ, સાલ્હેર, સિંધુદુર્ગ, વિજયદુર્ગ, સુવર્ણદુર્ગ, ખંડેરી છે અને 1 કિલ્લો તમિલનાડુમાં છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution