ગંભીરા બ્રિજ દુર્ધટના, નદીમાં સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી, 18નાં મોત, 2 લોકો ગુમ
11, જુલાઈ 2025 3762   |  

દુર્ઘટનાના ત્રીજા દિવસે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા:3 ટ્રક-બાઇક કઢાઈ,

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના ત્રીજા દિવસે હજુ બે ગુમ વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. જોકે, નદીમાં ૯૮%ની સાંદ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ અને પાણીમાં સોડા એશ ફેલાવાને કારણે સખત બળતરા વચ્ચે ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. નદીમાં સલ્ફ્યુરિક એસિડના ટેન્કને નિષ્ક્રિય કરવા અને બ્રિજનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરાશે

પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી ગંભીર દુર્ઘટનાના ત્રીજા દિવસે, વડોદરા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ ઘટનાસ્થળેથી ચાલી રહેલી બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આજે મંત્રી ઋષિકેશ પટેલ ધટના સ્થળે પહોંચીને સમગ્ર ધટના અને રેક્યુ સહિત કામગીરીની માહિતી મેળવી હતી.

કલેક્ટરે જણાવ્યું હતું કે, બુધવારે જે ગંભીર અકસ્માત થયો તેના અંતર્ગત બચાવ કામગીરી ચાલુ રાખી છે. ખાસ કરીને કાદવની પરિસ્થિતિ અને બ્રિજની સ્થિરતાના પ્રશ્નોને કારણે, ઉપરના ભાગે ક્રેન સુરક્ષિત રીતે કામ કરી રહી છે. આ ઉપરાંત, અંદરના ભાગમાં સોડા એશ ફેલાવાને કારણે પાણીમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ રહી છે.

તેમણે કહ્યું હતુ કે, સલ્ફ્યુરિક એસિડનું ૯૮% સાંદ્રતા ધરાવતું એક ટેન્કર પણ અંદરના ભાગમાં છે, જેથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે. ગઈકાલે રાત્રે ૧૦.૦૦ વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું.આજના દિવસની કામગીરી અંગે તેમણે કહ્યું હતુ કે, બે મૃતદેહો ગુમ થયેલા વ્યક્તિઓ પૈકીના છે. મોટાભાગે બીજા કોઈ વાહનો નીચે નથી. બાઈક છે અને બાઈકના સવારોનું મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આજે જે બે મૃતદેહો બાકી છે, તેમને સૌથી પહેલા રિકવર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ, હવે બ્રિજનો જે સ્લેબ છે તેને તોડવાનું કામ કરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરીયલ અને સંપત્તિ રિકવર કરાશે. સાથે જ, નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution