BAAM ઓપરેશન હેઠળ 50 પાકિસ્તાની સૈનિકોના મોત,
12, જુલાઈ 2025 ક્વેટા   |   2475   |  

ISI ના 9 એજન્ટ ઠાર, બલોચ બળવાખોરોનો દાવો

પાકિસ્તાની સેના વિરુદ્ધ બલૂચ બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટે 'Operation BAAM' હાથ ધર્યું હતું. જેમાં છેલ્લા 4 દિવસમાં, બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં હુમલા કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ તમામ હુમલાઓની જવાબદારી લીધી છે. તેને 'ઓપરેશન BAAM'નો એક ભાગ ગણાવવામાં આવ્યો છે. BLF એ 8 જુલાઈએ આ ઓપરેશન શરુ કર્યાની જાહેરાત કરી હતી ત્યારથી સતત હુમલા થઈ રહ્યા હતા.

BLF એ દાવો કર્યો છે કે 9 જુલાઈથી 11 જુલાઈ સુધી તેણે પાકિસ્તાની સેનાના 70 સ્થળો પર હુમલા કર્યા હતા. જેમાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા 50 સૈનિકો માર્યા ગયા અને 51થી વધુ ઘાયલ થયા હતા. તેમજ BLF એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ મિલિટરી ઇન્ટેલિજન્સ અને ISI ના 9 એજન્ટને મારી નાખ્યા હતા. BLF એ દાવો કર્યો છે કે 'ઓપરેશન BAAM' દરમિયાન બલૂચ લડવૈયાઓએ 7 મોબાઇલ ટાવર અને તેમની મશીનરીને આગ ચાંપી દીધી હતી અને પાકિસ્તાની સેનાની પ્રવૃત્તિઓને રોકવા માટે 22 સ્થળોએ કામચલાઉ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી હતી.

BLF એ 72 કલાક સુધી ચાલેલા 'ઓપરેશન BAAM'માં 24 ખનિજ વહન કરતા ટ્રક અને ગેસ ટેન્કરનો પણ નાશ કર્યો. આ સાથે, પાંચથી વધુ સર્વેલન્સ ડ્રોન અને ક્વોડકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા, જેનાથી પાકિસ્તાનની સર્વેલન્સ સિસ્ટમને નુકસાન થયું.

આ સમગ્ર ઓપરેશન બલુચિસ્તાનના મકરાન, રેખશાન, કોલવા, સરવન, ઝાલાવાન, કોહ-એ-સુલેમાન, બેલા અને કાચી જેવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution