અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે લોકો રહેતા હોવાનો અંદાજ
11, જુલાઈ 2025 વૉશિંગ્ટન   |   3663   |  

અમેરિકામાં રહેતાં 59,000 ગેરકાયદે વસાહતીઓની ઓળખ થઈ, મોટાપાયે કાર્યવાહીના એંધાણ

ડોનાલ્ડ ટ્રમ્પે બિગ બ્યૂટીફૂલ બિલ સંસદમાં પાસ કરાવ્યું એ પછી હવે બજેટમાં ફાળવણી પણ થઈ ગઈ છે. નવા કાયદા પ્રમાણે ગેરકાયદે વસાહતીઓ સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સંસદે ૧૭૦ અબજ ડોલર જેવી માતબર રકમ ફાળવી છે. તેના કારણે અમેરિકામાં આગામી મહિનાઓમાં ગેરકાયદે વસાહતીઓ સામે આકરાં પગલાં ભરાશે. તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટેની તૈયારી પણ કરી દેવાઈ છે. તે ઉપરાંત બોર્ડર પર દીવાલ બાંધવાથી લઈને ચાંપતી નજર રાખવા માટે પણ બજેટ વધારવામાં આવ્યું છે.

અમેરિકામાં અત્યારે ગેરકાયદે વસાહતીઓને રાખવા માટે ૪૧ હજાર બેડની ક્ષમતા ધરાવતા ડિટેન્શન સેન્ટર્સ છે. એની ક્ષમતા વધારીને એક લાખ બેડ કરવા માટે ૪૫ અબજ ડોલરનું ફંડ મંજૂર થયું છે. અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો થયો કે ભવિષ્યમાં વધુ ગેરકાયદે વસાહતીઓ પકડાશે તેને ધ્યાનમાં રાખીને બે લાખ બેડની ક્ષમતા ધરાવતા ડિટેન્શન સેન્ટર્સ બનાવવાની ટ્રમ્પની ગણતરી છે.

દેશભરના સરહદી રાજ્યોમાં આ ડિટેન્શન સેન્ટર્સ ઉભા કરાશે અને એમાં ગેરકાયદે વસાહતીઓને કેદ રાખવામાં આવશે. ઈમિગ્રેશન વિભાગે અત્યારે ૫૯ હજાર ગેરકાયદે વસાહતીઓની ઓળખ કરી લીધી છે. અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે વસાહતીઓ રહેતા હોવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઈમિગ્રેશન એન્ડ બોર્ડર સિક્યોરિટી વિભાગ ગેરકાયદે વસાહતીઓને ઝડપી શકે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવશે.

તે માટે ઈમિગ્રેશન વિભાગના બજેટમાં તોતિંગ વધારો કરાયો છે. ઈમિગ્રેશન વિભાગ ગેરકાયદે વસાહતીઓ સામે રાષ્ટ્રવ્યાપી ઓપરેશન ચલાવી શકે તે માટે નવી ભરતી કરાશે. આ વિભાગમાં આગામી વર્ષોમાં ૧૮ હજાર નવી ભરતી કરાશે. નવી ટેકનોલોજી વસાવવામાં આવશે. સરહદ પર નજર રાખવા માટેય વધુ ૬.૨ અબજ ડોલરની ફાળવણી કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution