બનાસકાંઠા-

રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા અસામાજિક તત્વોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે મહિનામાં બનાસકાંઠા જિલ્લાની મુખ્ય બોર્ડર અમીરગઢ પરથી કરોડો રૂપિયાના માદક પદાર્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજસ્થાનમાંથી અસામાજિક તત્વો દ્વારા અવનવા કિમીયાઓ અપનાવી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી માદક પદાર્થો ઘુસાડવામાં આવે છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોનું નેટવર્ક મોટું જોવા મળી રહ્યું છે.

કોરોનાની મહામારી પહેલા બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો ઓછા પ્રમાણમાં ઝડપાતા હતા. પરંતુ કોરોનાની મહામારી બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસે તમામ ઉપર કડક ચેકિંગ હાથ ધર્યું હતું. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પરથી કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે માદક પદાર્થોની હેરાફેરી કરતા અસામાજિક તત્વો ઝડપાઈ રહ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી પોલીસે ડ્રગ્સ, ગાંજો, દારૂ, રિવોલ્વર, સોના-ચાંદી સહિત અનેક વસ્તુઓ ગેરકાયદેસર રીતે ઝડપી પાડી છે.