26, એપ્રીલ 2025
વડોદરા, લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે આ વિવાદમાં સંયુક્ત ચેરિટિ કમિશનરે હુકમ કર્યો હતો કે, શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાનની દાન પેટીઓ ફરીથી મંદિરમાં મુકવામાં આવે અને તેના જૂના પૂજારીઓને મંદિરમાં પાછા પ્રવેશવા દેવામાં આવે. જાેકે, આ મામલામાં પંચાયતી અખાડાએ હટાવી દીધેલી દાનપેટીને પુન: મુકવા બાબતે અને સંયુક્ત ચેરિટિ કમિશનરના હુકમનો અમલ કરાવવા માટે પોલીસ સાથે બેઠક યોજવામાં આવી હતી. કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મંદિરના વહીવટના વિવાદમાં ચેરિટી કમિશનર દ્વારા શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાનની તરફેણમાં પંચાયતી અખાડાએ હટાવી નાખેલ દાન પેટીઓ ફરી મંદિરમાં મુકી પુજારીઓને સેવા માટે મંદિરમાં પ્રવેશ આપવા અંગેનો વચગાળાનો હુકમ જારી કર્યો છે. નર્મદા જિલ્લાના કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મંદિરના વહીવટ બાબતે પાછલા કેટલાક સમયથી ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં મંદિરનો વર્ષોથી વહીવટ સંભાળતા શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટની દાનપેટીઓ મંદિરમાંથી હટાવી દઈ પંચાયતી અખાડાની દાન પેટીઓ મૂકી પુજારીઓની ઓરડીઓ તોડી નાખી મંદિરમાં વર્ષોથી સેવા આપતા પુજારીઓને મંદિરમાંથી બહાર કાઢી મૂકવા સહિતના અનેક મનસ્વી ર્નિણયોના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાનએ સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ દાદ માંગતા આજરોજ ચેરિટી કમિશનરના અધિકારીઓ ચાણોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન તરફેણમાં હુકમ થયો હોવા છતાં હુકમના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી તા- ૨૬/૦૫/૨૦૨૫ના રોજ રાખવામાં આવી છે. સંયુક્ત ચેરિટિ કમિશનરની સૂચનાનો અમલ કરવા તમામ ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓને જાણ કરવામાં આવી હતી. જાે આ સૂચનાનો અમલ કે પાલન નહી કરવામાં આવે તો, પ્રવર્તમાન કાયદાની જાેગવાઇને વિપરીત અસરો ઉભી થશે અને તેની તમામ જવાબદારી તમામ ટ્રસ્ટીઓ અને વહીવટદારના શિરે રહેશે. તેમજ સંસ્થાના વાદવિવાદો સંબંધે જે કોઇપણ અત્રેની કચેરીમાં કેસો પેન્ડીંગ છે અને તે જ્યાં સુધી ન્યાય નિર્ણિત કરવામાં ન આવે ત્યાં સુધી નાણાકીય કે અન્ય વહીવટી કામકાજ અત્રેની કચેરીને લેખિતમાં જાણ કરી તેવા ખર્ચાઓ કે વ્યવહારો અત્રેથી મંજૂર કરવામાં આવશે, ત્યારબાદ જ તેવા નાણાકીય વ્યવહારો કરવાના રહેશે.