09, જાન્યુઆરી 2025
કૃપેશ ઠક્કર |
ગુરુનો મકર રાશિમાં પ્રવેશ અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જ ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાય છે ‘કુંભ મેળો’. જે ૧૩ જાન્યુઆરી એટલે કે પોષી પૂનમથી શરૂ થઈને ૨૬ ફેબ્રુઆરી, મહા શિવરાત્રીએ સમાપ્ત થાય છે. આજે પર્વની પાઠશાળામાં આપણે કુંભ મેળો અને તેની વિશેષતાઓ તથા ધાર્મિક મહત્વ, ઇતિહાસ અને પૌરાણિક કથા વિષેની ચર્ચા કરીશું.
સામાન્ય રીતે કુંભ મેળો બાર વર્ષે એક સ્થળ પર યોજાય છે પરંતુ દર ત્રણ વર્ષે ભારતમાં ચાર વિવિધ સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતે પવિત્ર નદીઓને કાંઠે તેનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળાનું આયોજન નિશ્ચિત ગ્રહ અને સુર્યના રાશિ પ્રવેશને આધારે થાય છે. આપણા પુરાણો અનુસાર જ્યારે સુર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે ગુરુ અને સુર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે સુર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિક ત્ર્યંબકેશ્વર ખાતે કુંભ મેળો યોજાય છે જેને સિંહસ્થ પણ કહેવામાં આવે છે અને જ્યારે સુર્ય મેષ અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થાય છે.
આ કુંભ મેળામાં લાખો અને કરોડોની સંખ્યામાં સાધુઓ, સંતો, અઘોરી બાવા અને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પધારે છે અને પવિત્ર શાહી સ્નાન કરે છે. આ ઉપરાંત સાધુઓ સંપૂર્ણ કુંભ મેળા દરમિયાન ત્યાંજ રહીને સાધના પણ કરે છે જેને ‘કલ્પવાસ’ કહેવાય છે અને કલ્પવાસ કરનાર ‘કલ્પવાસી’ તરીકે ઓળખાય છે. કુંભ મેળો, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ એમ ચાર પ્રકારે મેળાઓ યોજાય છે. જેમાં દરેકની અલગ વિશેષતાઓ હોય છે.
હાલમાં પ્રયાગરાજ ખાતે યોજાવનાર મેળો ‘મહા કુંભ’ મેળો છે. મહા કુંભનું આયોજન ૧૨ પૂર્ણ કુંભ મેળા
છી થાય છે. માટે આ વર્ષે પ્રયાગરાજે યોજાવનાર કુંભ એમ ૧૪૪ વર્ષ બાદ આવેલો પૂર્ણ કુંભ છે તેથી તેણે ‘મહા કુંભ’ કહેવાય છે. ૧૪૪ વર્ષે યોજાતા મહાકુંભ ને દેવો અને મનુષ્યોનો સંયુક્ત પર્વ કહેવાય છે. જેમાં સૌ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમી સ્નાન કરશે. ધાર્મિક ગ્રંથો અનુસાર મહાકુંભ વખતે પવિત્ર નદીઓમાં કે તીર્થ સ્નાન કરવાથી વ્યક્તિ પાપ મુક્ત બને છે અને આત્માને મુક્તિ મળે છે. મહાકુંભમાં પાંચ પ્રમુખ સ્નાન પર્વ અને ત્રણ રાજસી સ્નાન પર્વનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ શાહી સ્નાન પોષી પૂનમે થાય છે અને દ્વિતીય શાહી સ્નાન મકર સંક્રાંતિ એ થાય છે.
જાે કે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનું આપણી સનાતન સંસ્કૃતિમાં વિશેષ મહત્વ તો છે જ. આપણા શાસ્ત્રોમાં આ દિવસને ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. ધનુ સંક્રાંતિ સાથે શરૂ થયેલ કમુરતા મકરસંક્રાંતિ સાથે પૂર્ણ થાય છે. માટે આ દિવસથી ફરી શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો શરૂ થાય છે. આ દિવસે ખાસ કરીને સૂર્યની પૂજા અથવા સૂર્યને અર્ધ્ય આપવાથી તથા તીર્થ સ્નાન અને પવિત્ર નદીએ સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે. મકર રાશિમાં પ્રવેશતો સૂર્ય એ ખૂબ જ શુભ અને કલ્યાણકારી કહેવાયો છે. જે અંધકાર અને અશુભ ફળને દૂર કરે છે.
હવે કુંભ મેળા પાછળની પૌરાણિક કથાની જાે વાત કરીએ તો સમુદ્ર મંથન વખતે ભગવાન વિષ્ણુ કૂર્મ અવતાર લઈ પીઠ પર મંદ્રાચલ પર્વત ધારણ કરી સમુદ્રમાં બેઠા. વાસુકિ નાગની રસી બનાવી સૌ દેવો અને અસૂરોએ મંથન કરવાનું શરૂ કર્યું. ત્યારે સમુદ્ર મંથન થકી ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થાય. આ અમૃત મેળવવા માટે દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ થયો. અમૃતના એ કુંભની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ મોહિની અવતાર ધારણ કરીને કુંભને ગ્રહણ કર્યો. અસૂરોથી અમૃતને બચાવવાના પ્રયત્ન દરમિયાન અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પ્રયાગ, ઉજ્જૈન, ત્ર્યંબક અને હરિદ્વાર એમ ચાર અલગ અલગ સ્થળો એ ગ્રહો અને સુર્યની નિશ્ચિત સ્થિતિએ પડ્યા. દેવો અને અસૂરો વચ્ચેનો એ યુદ્ધ ૧૨ દિવસ ચાલ્યું હતું. દેવોનો એક દિવસ મનુષ્યોના એક વર્ષ બરાબર હોય છે માટે દેવોના બાર દિવસ અને મનુષ્યોના બાર વર્ષના સમયગાળા પ્રમાણે કુંભ મેળાનું આયોજન દર બાર વર્ષે થાય છે. કુંભ મેળાની માહિતી અને ઇતિહાસ આપણા પૌરાણિક ગ્રંથો સિવાય અન્ય વિશ્વના અન્ય ઐતિહાસિક પુસ્તકોમાં પણ જાેવા મળે છે. પોષી પૂનમથી મહા શિવરાત્રી સુધી ચાલનારા આ મહાકુંભ મેળા વિષેની અન્ય રોચક વાતો અને આવનાર પવિત્ર સ્નાનને લગતી વિશેષ વાતો આપણે પર્વની પાઠશાળાના આગામી લેખમાં કરતા રહીશું.