‘ઓપરેશન સિંદૂર’ વિરુદ્ધ લખનાર૧૪ સામે એફઆઇઆર
12, મે 2025

ગાંધીનગર પાકિસ્તાન સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ વ્યક્તિ સામે પોલીસે કડક કાર્યવાહી કરીને તેમની સામે એફઆઇઆર દાખલ કરી છે. આ વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરી હતી. જેના કારણે તંત્ર દ્વારા આવી વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાના પ્રતિકાર સ્વરૂપે ભારત સૈન્ય દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતી જાેવા મળી રહી છે. ત્યારે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં રહેતી ૧૪ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા આ ૧૪ વ્યક્તિ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ઓપરેશન સિંદૂરને અનુલક્ષીને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જાેખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા ગુજરાત પોલીસને આદેશ આપ્યા હતા. જે અંતર્ગત ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રખાઇ હતી. આ દરમિયાનમાં રાજ્યની ૧૪ વ્યક્તિએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યાનું ધ્યાને આવ્યું હતું. જે અંગે આ વ્યક્તિઓ સામે સંબંધિત પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લામાં ૨, ભૂજમાં ૨ વ્યક્તિ સામે એફઆઇઆર કરાઇ છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ ૧૪ વ્યક્તિ સામે એફઆઇઆર દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution