13, એપ્રીલ 2025
અમદાવાદ, વટવા ચાર માળીયા પાકીસ્તાન વિભાગ પાસે શનિવારની મોડી રાતે રીક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે મહિલા સહીત ચાર લોકોએ ભેગા થઇને એક યુવકને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે વટવા પોલીસે મૃતક યુવકના ભાઈની ફરિયાદના આધારે મહિલા સહીત ચારની સામે હત્યાનો ગુનો નોંધીને ચારેયની ધરપકડ કરી છે.વટવા સૈયદવાડી વિસ્તારમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા મોહમદ જુનેદ પટેલ (ઉ.૩૪) ગારમેન્ટના કારખાનામાં નોકરી કરે છે. જુનેદ પટેલનો નાનો ભાઈ જાવેદ ભાડાની રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત શનિવારે જુનેદ પટેલ તેના સહ પરિવાર સાથે જમાલપુર પગથીયા ખાતે રહેતી તેની બહેના ઘરે ગયા હતા. ત્યારે રાત્રીના દસ વાગ્યાની આસપાસના જાવેદ પટેલ હું વર્ધીમાં જાઉં છે તેમ કહીને પિતાનું ટુ-વ્હીલ લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો જમાલપુરથી મોડી રાત્રે ઘરે આવ્યા અને સુઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યે જુનેદ પટેલના પિતાના મોબાઈલ પર જાવેદના નંબરથી અજાણી યુવતીએ ફોન કર્યો અને જણાવ્યું કે જાવેદની માથાકૂટ થઇ છે અને છરીઓ મારેલી છે અને તેને એલ.જી.હોસ્પિટલ ખાતે લઇ જઈએ છીએ આટલું સાંભળતાની સાથે જ પરિવારના તમામ સભ્યો ગભરાઈ ગયા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યારે જાવેદની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સમયે હોસ્પિટલમાં સનમ નામની માહિલા રડી રહી હતી તેણે કહ્યું કે જાવેદ સાથે મારા નિકાહ થયેલા છે અને ગઈકાલે રાત્રે જાવેદ મને મળવા આવ્યો ત્યારે વટવા ચાર માળીયા પાકિસ્તાનમાં રહેતો મોહમંદ જમીર શેખ તેને ઇનસ્ટાગ્રામમાં વિડીયો કોલમાં ગાળો ભાંડી રહ્યો હતો અને વટવા ચાર માળીયા પાસે બોલાવતો હતો. તેથી જાવેદ મોહમંદ જમીર શેખને મળવા ગયો હતો. જ્યાં આગળ જમીર અને તેના પરિવારના લોકોએ ભેગા થઈને જાવેદને છરીના ઘા ઝીક્યા હતા. તદુઉપરાંત મહિલાએ મૃતક જાવેદના ભાઈને જણાવ્યું હતું કે જાવેદ લાલ દરવાજા પાસે રીક્ષા લગાવતો હતો.અને ત્યાં આગળ જ મોહમંદ જમીર શેખ પથારો લગાવતો હતો. તેથી બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. આ મામલે વટવા પોલીસે મૃતક જાવેદના ભાઈ જુનેદ પટેલની ફરિયાદ નોંધીને મોહમદ જમીર શેખ, મોહમદ જાફર શેખ, કાસમભાઈ શેખ તથા રાશીદાબાનુ જાફર શેખ સામે હત્યાનો ગુનો નોંધીને મહિલા સહિત ચારની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
વટવામાં યુવતી પાસે શખ્સે મોબાઇલ માંગ્યો, ના પાડતા માર માર્યો
રાજસ્થાનમાં ૪૫ વર્ષીય સૈયદાબાનુ સૈયદ પરિવાર સાથે રહે છે. જેમાં તેમનો પતિ ફરીદુદ્દીન રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ત્યારે વટવામાં રહેતી બહેન સાઇનનો પુત્ર દાઝી ગયો હોવાથી તેની ખબર અંતર પૂછવા બે બહેનો અને પુત્રી ચાંદનીબાનો સાથે રાજસ્થાનથી ગત ૧૦ એપ્રિલે અમદાવાદ વટવામાં આવ્યા હતા. ગત ૧૦ એપ્રિલે સૈયદાબાનુની પુત્રી ચાંદનીબાનો તેના પિતરાઇ ભાઇ સાથે મહોમદી મસ્જીદ પાસે જ્યુશ પીવા ગઇ હતી. તે સમયે રેહાન પઠાણ નામનો શખ્સ આવ્યો હતો. અને તેને ચાંદનીબાનોના હાથમાં રહેલ મોબાઇલ ફોન માંગ્યો હતો. પરંતુ ચાંદનીબાનોએ ના પાડતા રેહાને ઉશ્કેરાઇને માર મારવા લાગ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા રેહાન ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે યુવતીની માતાએ રેહાન સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.