ગાંઘીનગર-

કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ અને માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. 

ગુજરાતની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી થવાના નવા દ્વાર ગુજરાત સરકારે ખોલી આપ્યા છે. રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતા-બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન અપાશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ લીડ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ બેંકોને આ યોજનામાં જોડાવા આહવાન કર્યું છે. બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ રાજ્ય સરકાર કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનને સાકાર કરવાનો આ હેતુ છે. આ માટે મુખ્યમંત્રીએ રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે.