કરાચી-

આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાન પર ફરીવાર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. આ વખતે ભારતે નહીં પણ ઈરાને આવી સર્જીકલ સ્ટ્રાઈક કરી હોવાનું જણાવાયું છે. કહેવાય છે કે, ઈરાને આવી સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાંથી પોતાના બે સૈનિકોને છોડાવી લીધા છે. 

ઈરાનની અનાદોલુ એજન્સીએ આપેલા સમાચાર મુજબ, વર્ષ 2018માં પાકિસ્તાન દ્વારા ઈરાનના 12 જેટલા સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ સૈનિકોને છોડાવવા માટે ઈરાને પાકિસ્તાનને રાજકીય મસલતો દ્વારા સમજાવ્યું હોવા છતાં તેનો કોઈ ઉકેલ ન આવતાં આખરે ઈરાને આવો રસ્તો લેવો પડ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં કાર્યરત આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલે ઈરાનના 12 સિક્યુરિટી ગાર્ડ્સનું  અપહરણ કરી લીધું હતું અને તેમને બલુચિસ્તાનમાં રાખ્યા હતા. દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સત્તાવાર જાહેરાત કરાઈ હતી કે, આઈઆરજીસીના ગાર્ડ્સને છોડાવવા માટે ઈરાન દ્વારા પોતાના જાસૂસી તંત્રને સાથે રાખીને તપાસ કરાવાઈ હતી અને ત્યારબાદ બાકીના ગાર્ડ્સને છોડાવવા માટે એક ઓપરેશન પાર પડાયું હતું. ઈરાનમાં સક્રિય આ આતંકી જૂથ જૈશ-ઉલ-અદલ દેશમાં અનેક ઠેકાણે હુમલા પણ કરી ચૂક્યું છે.