મકરપુરા ઈન્દિરાનગર સોસાયટીમાં નિંદ્રાધીન પરિવારના તમામ સભ્યોના મોબાઈલની ચોરી
07, મે 2025 વડોદરા   |  

ઘરની બહાર અલગ અલગ ખાટલા પર સુઈ રહેલા પાંચ સભ્યોના મોબાઈલ ચોરાયાં

શહેરના મકરપુરા ઈન્દિરાનગરમાં રાત્રિના સમયે ઘરની બહાર અલગ અલગ ખાટલા પર સુઈ રહેલા એક જ પરિવારના પાંચ સભ્યોના મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં આ બનાવની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

મકરપુરા એસટી ડેપો પાછળ આવેલા ઈન્દિરાનગર સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતો અમરજીત ખદેરુ નિશાદ કલરકામનો વ્યવસાય કરે છે. ગત ૧૪મી એપ્રિલના રાત્રે જમી પરવાર્યા બાદ ગરમીથી કંટાળીને તે તેમજ તેનો મોટો ભાઈ જીતેન્દ્ર, ભાભી આરતીબેન, જીતેન્દ્રનો સાળી સુમિત અને સૈાથી નાનો ભાઈ ધીરેન્દ્ર ઘરના બહારના ભાગે અલગ અલગ ખાટલામાં સુઈ ગયા હતા. પરિવારજના પાંચેય સભ્યોએ સુતી વખતે તેઓના મોબાઈલ ખાટલા પર તકિયા પાસે મુક્યા હતા. દરમિયાન રાત્રે ત્રણ અમરજીત બાથરૂમમાં જવા માટે જાગ્યો હતો તે સમયે તેને તકિયા પાસે પોતાનો મોબાઈલ નહી હોવાની જાણ થતાં તેને મોબાઈલ શોધવા માટે જીતેન્દ્રને ઉઠાવ્યો અને તેના ફોનથી રીંગ મારવા કહ્યું હતું.

દરમિયાન જીતેન્દ્ર અને આજુબાજુમાં સુઈ રહેલા તમામ સભ્યોના મોબાઈલ ફોન પણ ગુમ હોવાની જાણ થતાં તેઓ ચોંક ઉઠ્યા હતા. મોડી રાત્રે તસ્કર પરિવારના પાંચ સભ્યોના ૪૦ હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોનની ચોરી કરી ગયો હોવાની અમરજીતે ગઈ કાલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કર સંભવિત ઝડપાઈ હશે જે બાદ પોલીસે આ ફરિયાદ નોંધી હોવાનું મનાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution