/
રે૫કેસ : મૃતક પીડિતાની અંતિમવિધિ સંપન્ન

વડોદરા : પોતાના ફ્લેટમાં બહેનપણી સહિત ત્રણ મિત્રો સાથે દારૂની પાર્ટી માણ્યા બાદ સહકર્મચારી મિત્ર દ્વારા પાશવી બળાત્કાર ગુજારવાની ઘટનાથી ભાંગી પડીને આપઘાત કરનાર સુભાનપુરા વિસ્તારની કબડ્ડી પ્લેયર યુવતીની આજે આપઘાતના ચાર દિવસ બાદ કારેલીબાગના ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધિ હાથ ધરાઈ હતી. અંતિમવિધિમાં હાજર સ્વજનો ઉપરાંત યુવતીના મિત્રો, સહકર્મચારીઓ અને રાજકિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આ ઘટનાને ઉગ્રસ્વરોમાં વખોડી કાઢી બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજાની માગણી કરી હતી.

સુભાનપુરા વિસ્તારના એક ફ્લેટમાં પીજી તરીકે એકલી રહેતી ૧૯ વર્ષીય રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી પ્લેયર યુવતી છાણીની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. ગત ૬ઠ્ઠી તારીખે યુવતીએ પોતાના ફ્લેટમાં તેની બહેનપણી દેવીકા તેમજ ઓફિસમાં સાથે કામ કરતા મિત્રો ૧૯ વર્ષીય દિશાંત દિપક કહાર (શિવમ એપાર્ટમેન્ટ, નવાપુરા) અને ૨૧ વર્ષીય નાઝીર ઈસ્માઈલ મિર્ઝા (ફતેપુરા, ભાંડવાડા) સાથે દારૂની પાર્ટી યોજી હતી. જાેકે બહેનપણી ચાલુ પાર્ટીએ રવાના થઈ જતા જ યુવતી પર તેના મિત્ર દિશાંતે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીએ ૧૦મી તારીખે પોતાના પિતાના ઘરે જઈ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જાેકે યુવતીની અંતિમચિઠ્ઠી તેમજ તેણે તેના બોયફ્રેન્ડ સાથે કરેલ વાતચિતની ઓડિયોક્લિપના આધારે લક્ષ્મીપુરા પોલીસે દિશાંત કહાર અને નાઝીર મિર્ઝાની ધરપકડ કરી બંનેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બીજીતરફ યુવતીના મામા અમેરિકામાં રહેતા હોઈ પરિવારજનોએ તે આવ્યા બાદ જ અંતિમવિધિ કરવાનું નક્કી કર્યું હોઈ યુવતીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકવામાં આવ્યો હતો. દરમિયાન આજે બપોરે યુવતીના મામા વડોદરા ખાતે આવી પહોંચતા પરિવારજનોએ કોલ્ડરૂમમાંથી યુવતીના મૃતદેહને તેના ઘરે લઈ જવાયો હતો અને ત્યાંથી પરિવારજનો, રમતવીર મિત્રો, સહકર્મચારીઓ અને રાજકિય અગ્રણીઓ સાથે અંતિમયાત્રા નીકળી હતી.

યુવતીના મૃતદેહને કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં લવાયો હતો જયાં તેના પિતાએ તેને મુખાગ્ની આપી હતી. અંંતિમવિધિમાં હાજર પરિવારજનો તેમજ યુવતીના મિત્રો અને સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરે , પુર્વકોર્પોરેટર રાજેશ આયરે સહિતના રાજકિય અગ્રણીઓએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આરોપીઓ સામે વહેલામાં વહેલી તકે કોર્ટ કાર્યવાહી ચલાવીને બંનેને ફાંસીની સજા કરવી જાેઈએ તેવી માગણી કરી હતી.

આરોપીઓએ ગુનામાં ઉપયોગ કરેલી બાઈક હજુ મળી નથી

લક્ષ્મીપુરા પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાયેલા બળાત્કાર અને આપઘાતની દુષ્પ્રેરણાના ગુનાના બંને આરોપીઓની ગોરવા પોલીસ મથકના પીઆઈ આર સી કાનમિયાએ ઉંડાણપુર્વક તપાસ કરી હતી તેમજ તેઓની પાસેથી ગુનાના કામે જે મુદ્દામાલ કબજે કર્યો છે તે તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. બળાત્કાર બાદ યુવતીનો બોયફ્રેન્ડ ઘરે આવી જતા બંને આરોપીઓ તુરંત યુવતીને કઢંગી હાલતમાં છોડીને તેના ફ્લેટમાંથી નીકળ્યા બાદ એક જ બાઈક પર રવાના ફરાર થયા હોવાની વિગતો મળતા પોલીસે ગુનામાં વપરાયેલી બાઈકની શોધખોળ શરૂ કરી છે.

આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રકશન કરાશે

યુવતી પર ફ્લેટમાં બળાત્કાર સમયે હુમલો પણ કરાયો હોવાની તેમજ તેના શરીરના આંતરિક ભાગોમાં પણ ગંભીર ઈજા થાય તેવું પણ ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે તે દિશામાં બંને આરોપીઓની ઘનિષ્ટ પુછપરછ કરી હતી. હાલમાં બંને આરોપીઓ રિમાન્ડ પર છે અને તેઓની પાસેથી ગુનાને લગતા મોટાભાગના તમામ પુરાવા કબજે કર્યા બાદ હવે પોલીસે બંને આરોપીઓને યુવતીના ફ્લેટ પર લઈ જઈ તેઓની પાસેથી ઘટનાનું રિકન્ટ્રકશન કરાવવાની પણ તજવીજ શરૂ કરી છે.

દિશાંતને મળવા આવેલા વકીલોને ૫ોલીસ દ્વારા મંજૂરી ન અપાઈ

દિશાંત સાથે નાઝીમે પણ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો કે કેમ તેની પણ પુછપરછ કરી હતી. દરમિયાન આજે દિશાંતને મળવા માટે તેના વકીલ પોલીસ મથકે આવ્યા હતા પરંતું પોલીસે વકીલોને આરોપી દિશાંતને મળવાની મંજુરી આપી નહોંતી અને જે કંઈ હોય તે હવે કોર્ટમાં રજુઆત કરતો તેમ કહીને પોલીસે તેઓને રવાના કર્યા હતા.

સ્મશાનમાં સન્નાટા વચ્ચે પિતાના આક્રંદથી ગમગીની

પોતાની એકની એક યુવાન પુત્રીના લગ્ન કરી તેને સાસરીમાં વળાવવાના સ્વપ્નો જાેનાર પિતા આજે પુત્રીના અપમૃત્યુ બાદ અંતિમવિધિ વખતે મુખાગ્ની આપતી વખતે એકદમ ભાંગી પડ્યા હતા. સ્મશાનમાં આજે અન્ય કોઈ મૃતકની અંતિમવિધિ થતી ન હોઈ સ્મશાનમાં એકદમ સન્નાટો હતો અને આ દરમિયાન યુવતીના પિતાએ આંક્રદ કરતા સ્વજનો સાથે મિત્રોના આંખોના ખુણા પણ ભીના થયા હતા.

મામાએ મિત્રો પાસેથી વિગતો મેળવી

યુવતીની અંતિમવિધિ માટે આવેલા મામાએ અંતિમવિધિમાં હાજર યુવતીના ખેલાડી મિત્રો તેમજ ઓફિસના સહકર્મચારી યુવતી અને મિત્રો સાથે વાતચિત કરી હતી અને સમગ્ર બનાવ અંગે અને આરોપીઓની માહિતી મેળવી હતી. મામા સાથે વાત કરનાર મિત્રોએ આ બનાવમાં તેઓ યુવતીના પરિવારજનોને ઠેક સુધી સાથ આપી આરોપીઓને ફાંસીની સજા થાય તેવી પોલીસ અને તંત્ર સમક્ષ માગણી કરશે તેવી પણ બાંહેધરી આપી હતી.

ગોરવાના પીઆઈ અને શી ટીમે પિતાને આપેલું વચન પાળ્યું

યુવતીના પિતાનું કાઉન્સિલિંગ વખતે ગોરવા પોલીસ મથકના પીઆઈ આર સી કાનમિયાએ પિતાને વચન આપ્યું હતું કે પોલીસ આ કેસનો ચુકાદો આવે ત્યાં સુધી તમારી સાથે છે અને તમારી પુત્રીની અંંતિમવિધિમાં પણ પોલીસ હાજર રહેશે. પીઆઈ કાનમિયા અને શી ટીમની મહિલા પોલીસ પણ સ્મશાનમાં આવી હતી અને અંતિમવિધિમાં પોલીસ પણ યુવતીના પિતાના આંક્રદથી ભાવુક બની હતી. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution