એક ગરીબ બ્રાહ્મણ હતો... ઉક્તિને ખોટી પાડતા પાલિકાના મનીષ ભટ્ટ 
18, ડિસેમ્બર 2020

વડોદરા : પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે એસીબીમાં પુરાવા સહિત થયેલી અરજીમાં તપાસનો દાયરો વધી રહ્યો છે ત્યારે પાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટના આઈટી ડાયરેકટર અંગે રાજ્ય સરકારે માહિતી મંગાવ્યા બાદ એસીબીએ પણ મનીષ ભટ્ટની મિલકતો બેન્ક એકાઉન્ટની તપાસ આરંભી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં એમના વૈભવી બંગલાની પણ માહિતી મેળવાઈ છે.  

વડોદરા સ્માર્ટ સિટી ડેવપલમેન્ટ લિ.ના વહીવટી પાંખના મહત્ત્વના કરોડોના પ્રોજેક્ટમાં જનરલ મેનેજર આઈટી મનીષકુમાર ભટ્ટ સામે એન્ટિ કરપ્શન બ્યૂરો તેમજ શહેરી વિકાસ ગાંધીનગર ખાતે પુરાવા સહિત ફરિયાદ થઈ હતી. તપાસ એજન્સીમાં એકબીજાના સંકલનમાં રહી વિવિધ પાસાંઓ, ભૂતકાળમાં જાહેર થયેલા ટેન્ડરો, દરખાસ્ત, ઠરાવ, વર્કઓર્ડર, ભાવવધારો, પેનલ્ટીમાં કરોડો રૂપિયાના ચૂકવણાં સહિતની તપાસ બાદ મનીષ ભટ્ટની મિલકતો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં વાસણા રોડ બ્રાઈટ સ્કૂલ પાસે આવેલ સ્પ્રિંગ વીવ રેસિડેન્સી ખાતે મનીષ ભટ્ટના આવેલા ભવ્ય નિવાસસ્થાનની કિંમતની જાણકારી મેળવવામાં આવી રહી છે એના માટે વેલ્યુઅરની જરૂર જણાશે તો એમની પણ મદદ લેવામાં આવશે. જ્યારે એમની કાર, બેન્ક ખાતા, જમીન ઉપરાંત અન્ય રોકાણોની પણ તપાસ કરવામાં આવશે એમ એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. જાે કે, રાજ્ય સરકારે માગેલી મનીષ ભટ્ટની માહિતી બાદ પાલિકામાં જ એમની સામે વિજિલન્સ તપાસ શરૂ કરી દઈ ક્લીનચિટ આપવાનો તખ્તો તૈયાર કરી દેવાયો છે. પરંતુ એસીબી મક્કમપણે તપાસ ચલાવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution