ગીર સોમનાથ (વેરાવળ),તા.૪

ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની નવનિર્મિત હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો પધાર્યા હતા. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરને લઈને સૂચક નિવેદન કરતાં રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. સી.આર. પાટીલે પોતાના પ્રાસંગિક સંબોધનના પ્રારંભે જણાવ્યું હતું કે ‘જેના માટે મેં બસમાં રૂમાલ રાખી મૂક્યો હતો, પરંતુ બસ ચૂકી ગયા એવા અમરીષભાઈ ડેર.’ સી.આર પાટીલની આવા સૂચક નિવેદન સાથે અંતમાં એવું પણ જણાવ્યું હતું કે ‘તેઓ મારા મિત્ર છે અને હું હાથ પકડીને તેમને ભાજપમાં લાવવાનો જ છું. અંબરીષ ડેર આહીર સમાજનો જાણીતો ચહેરો અને રાજુલા વિધાનસભના પૂર્વ ધારાસભ્ય છે. કોંગ્રેસના દિગગજ નેતા અંબરીષ ડેરને કેસરીયા કરાવવા માટે ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોંગ્રેસ પક્ષમાંથી જ ચૂંટણી લડ્યા હતા. ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી તેઓ હારી ગયા હતા અને ભાજપ ત્યાં જીત મેળવી હતી. પાટીલના આજના નિવેદન પરથી જણાઈ આવે છે કે હજુ પણ તેની પસંદ અંબરીષ ડેર છે. ત્યારે હવે અંબરીષ ડેર કેસરિયા કરશે કે કેમ તે આવાનારો સમય જ બતાવશે. સી.આર પાટીલના આ નિવેદનથી હાલ તો રાજકીય ક્ષેત્રે ગરમાવો જાેવા મળી રહ્યો છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા વેરાવળ ખાતે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો વેરાવળ પધાર્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં સી.આર. પાટીલે આ નિવેદન આપ્યું હતું. અત્રે નોંધનીય છે કે વેરાવળ ખાતેનો કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો, પરંતુ માયાભાઈ આહીર દ્વારા શરૂ કરાયેલી હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ હતો. અંબરીષ ડેર સાથે માયાભાઈની જૂની મિત્રતા સાથે પારિવારિક સંબંધો હોવાના નાતે અંબરીષ ડેર આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંચ ઉપર અંબરીષ ડેરને જાેઈ સી.આર. પાટીલે મોકો જાેઈ ચોકો માર્યો હોય એવું રાજકીય પંડિતોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલ તો સી.આર. પાટીલના આ નિવેદનને લઈ અંબરીષ ડેરની કોઈ પ્રતિક્રિયા આવી નથી. ત્યારે સી.આર. પાટીલના સૂચક નિવેદનથી રાજકીય ક્ષેત્રે અનેકવિધ ચર્ચાઓએ જાેર પકડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય અંબરીષ ડેરને કેસરિયા કરાવવા માટે ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.