ગોંડલના અનલગઢ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત  એક ગંભીર
01, ઓક્ટોબર 2021

ગોંડલ, ગોંડલના અનલગઢ નજીક ગોળાઈમાં કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારે મોટરસાયકલ ને ધડાકાભેર ઉલાળતા મોટરસાયકલનો ભુક્કો થઇ ગયો છે. આ ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા સાથે ગોંડલ ખસેડાયો હતો. જાેકે, વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાઇ છે. ઘટનાને પગલે ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સને જાણ કરાતા દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે ગોંડલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માતમાં બંને મૃતકના વાલીવારસની શોધખોળ પોલીસે હાથ ધરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઇકનો ભુક્કો થઇ ગયો છે. કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત થતા જ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. અગાઉ ઉપલેટા પાસે ઇકો કાર પલટતા ભાવિ દંપતીનું મોત થયું હતું એક મહિના પહેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારનું અચાનક જ ટાયર ફાટતા પલટી મારી ઢસડાઇ હતી અને કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો. પોરબંદર હાઈવેથી ઉપલેટા તરફ ઇકો કાર આવી રહી હતી અને તેમાં પાંચ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ફરવા નીકળેલું ભાવિ દંપતી લિખિતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

ધોળા-ઝાંઝમેર હાઈવે પર અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત

ભાવનગર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામેથી ગત રાત્રે ત્રણ શ્રમિકો બાબુ પરમાર, રાજ ભેદીમલ પાલ તથા આલોક ગણેશ પાલ અંધારામાં રેલવે વિભાગના બેદરકાર કોન્ટ્રાક્ટરે રોડમાં ખડકેલા મિલર, કપચી તથા પાણીના ટાકા બાઈક ચાલકને ન દેખાતાં બાઈક મિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ત્રણેય મજૂરોને ગંભીર ઈજા થતાં તમામના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. આ બનાવની જાણ ધોળા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહોનો કબ્જાે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં જવાબદાર રેલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા લોકોએ ઉગ્ર માંગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution