એક્ટર સોનૂ સૂદે કોરોના કાળમાં જે રીતે દરેક જરૂરિયાતમંદની મદદ કરી છે, તેણે જે રીતે મુશ્કેલ સમયમાં એક દેવદૂત બનીને લોકોને સંભાળ્યા છે, તેના વખાણનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. હવે આ વખાણ બાદ સોનૂ અટકી ગયો હોય એવું નથી. તેણે પોતાની મદદનો વિસ્તાર હજુ વધુ વધારી દીધો છે. પહેલા જે સોનૂ માત્ર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરી રહ્યો હતો, હવે તે ખેડૂતોને ટ્રેક્ટર આપવાનથી લઈને નોકરીઓ આપવા જેવા કામ પણ કરવા માંડ્યો છે.

30 જુલાઈએ સોનૂ સુદ પોતાનો 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તે પોતાની બર્થડે પર કોઈ મોટી બોલિવુડ પાર્ટીનું આયોજન નથી કરી રહ્યો, પરંતુ આ પ્રસંગે પણ તેણે લોકોની મદદ કરીને પુણ્ય કમાવાનો પ્રયત્ન કર્યો છે. સોનૂ સુદે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, તે હવે પ્રવાસીઓને નોકરી અપાવવામાં મદદ કરશે. પૂર પ્રભાવિત બિહાર અને આસામમાં તે આ અભિયાન ચલાવશે. એક્ટરે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે- મારા જન્મદિવસના અવસરે મારા પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com નો 3 લાખ નોકરીઓ આપવા માટે મારો કરાર. આ બધુ સારા વેતન, PF, ESI અને અન્ય લાભો પ્રદાન કરે છે.

પોતાના જન્મ દિવસના અવસરે સોનૂ સુદે પ્રવાસી રોજગારના નામથી એક નવું અભિયાન શરૂ કર્યું છે. તેણે ઘણી મોટી કંપનીઓ સાથે કરાર પણ કર્યો છે. પૂરના કારણે આસામ અને બિહારમાં લાખો લોકો પ્રભાવિત છે અને ઘણાએ પોતાની નોકરીઓ પણ ગુમાવી દીધી છે, હવે આ તમામની મદદ માટે સોનૂ આગળ આવ્યો છે. સોનૂની આ પહેલ એ તમામ લોકો માટે એક નવી આશા લઈને આવી છે, જેમણે આ પૂરમાં પોતાનું બધુ જ ગુમાવી દીધુ છે.

આ અગાઉ પણ સોનૂ સુદે અલગ-અલગ રીતે લોકો સુધી મદદ પહોંચાડી છે. હાલમાં જ તેણે એક ખેડૂતને બે બળદ આપ્યા હતા, જેથી તેને ખેતર ખેડવામાં મદદ મળી શકે. સોનૂએ અન્ય એક ખેડૂતને ટ્રેક્ટર ગિફ્ટમાં આપ્યું હતું. સોનૂ સુદનું આ રૂપ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે તમામની નજરોમાં રીયલ લાઈફ હીરો બની ગયો છે.