કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ આજના સમયની અનિવાર્ય માંગ છે. આજે વિશ્વની મહાસત્તાઓ સમક્ષ સમગ્ર વિશ્વમાં વધી રહેલા જળ, હવા, ભૂમિ વગેરેમાં પ્રદૂષણ એ સળગતો પ્રશ્ન છે. ઉપરોક્ત પ્રદુષણ ઉપરાંત ઇન્ટરનેટના ઉપયોગથી ફેલાતું પ્રદૂષણ પણ ખૂબ મોટો પ્રશ્ન છે.
આજે પર્યાવરણને માત્ર વાહનો અને કારખાનાઓ દ્વારા જ નહીં, પણ ઈન્ટરનેટના વધતા ઉપયોગથી પણ નુકસાન થઈ રહ્યું છે. ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગ અને મોબાઈલ ઉપકરણોની સંખ્યામાં વધારો થવાને કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ભયજનક દરે વધી રહ્યો છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે પર્યાવરણમાં હાનિકારક ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન વાર્ષિક ૪ ટકાના દરે વધી રહ્યું છે.
ઈન્ટરનેટ પ્રદૂષણ શું છે અને તે કેવી રીતે થાય છે તે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ.
મોટાભાગના લોકો ઇન્ટરનેટની પર્યાવરણીય અસરને અવગણે છે અથવા એ વિશે અજાણ હોય છે. પરંતુ હકિકત એ છે કે જ્યારે આપણે થોડા સમય માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ આપણે અજાણતા ગ્લોબલ વોર્મિંગના પડકારને થોડો વધુ ગંભીર બનાવી દઈએ છીએ. બહુ ઓછા લોકો જાણે છે કે ઇન્ટરનેટ ખરેખર કેવી રીતે કામ કરે છે અથવા આબોહવા પરિવર્તન પર તેની શું અસર પડે છે.
ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, ડિવાઇસ અને વેબસાઈટ અથવા સોફ્ટવેરને હોસ્ટ કરતા સર્વર વચ્ચે ડેટા સ્થાનાંતરિત થાય છે. સર્વર એટલે કે કમ્પ્યુટર ડિસ્ક, આવી હજારો ડિસ્ક ડેટા સેન્ટર તરીકે ઓળખાતી જગ્યાએ રાખવામાં આવે છે જે ૨૪ કલાક અવિરત ચાલુ રહે છે. આ ડેટા સેન્ટર્સમાં વિશ્વભરનો ડેટા સંગ્રહિત થાય છે. ગુગલ, યુટ્યુબ અને ઘણા વિડિયો અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેમની સામગ્રીને સંગ્રહિત કરવા માટે ડેટા સર્વર્સનો ઉપયોગ કરે છે. આ ડેટા સર્વર એટલા મોટા છે કે તેઓ એકલા હાથે એક દિવસમાં હજારો ઘરોની વીજળી વાપરે છે. ગૂગલના સર્વર એક નાના શહેરની વીજળી જેટલા વીજળી એક દિવસમાં વાપરે છે. વર્ષ ૨૦૨૦માં ગૂગલે ૧૫,૪૩૯ ગીગાવોટ વીજળીનો વપરાશ કર્યો હતો. હવે એ તો સ્વાભાવિક છે કે ડેટા સેન્ટરને ચાલુ રાખવા માટે મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. આ વીજળીના ઉત્પાદનમાં કાર્બન ઉત્સર્જિત થાય છે. તો સાથોસાથ એર કન્ડીશનીંગ દ્વારા મોટા પ્રમાણમાં ગ્રીન હાઉસ વાયુઓ પણ વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે. કારણકે આ ડિસ્કને ઠંડી રાખવા અથવા તો ગરમ થતી અટકાવવા માટે એર કન્ડીશનીંગની જરૂર પડે છે. ડેટા જેટલો વધુ મોકલવામાં કે સંગ્રહ કરવામાં આવે તેટલા પ્રમાણમાં અહીં વીજ ઉર્જાની ખપત વધુ થાય છે. વ્યક્તિગત સ્તરે આ પ્રમાણે કદાચ ઓછું લાગે પણ દુનિયાભરના લોકોના ઇન્ટરનેટના વપરાશનો આંકડો અને તેમાંથી તેના કારણે કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વિચારીએ તો તે બહુ મોટું છે
૧૦ સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ટિકટોક સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પ્રતિ મિનિટ ૨.૬૩ ગ્રામ ધરાવે છે, ત્યારબાદ રેડિટ(૨.૪૫ ગ્રામ) અને પીનરેસ્ટ(૧.૩ ગ્રામ) આવે છે. બીજી તરફ, યુટ્યુબનો ઉપયોગ કરીને, પ્રતિ મિનિટ માત્ર ૦.૪૬ ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કરે છે, પરંતુ યુટ્યુબમાં લાંબા વિડિયોનો સમાવેશ થતો હોવાથી, તેનું સંચિત ઉત્સર્જન એકંદરે વધુ હોઈ શકે છે.
ફેસબુકની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૦માં, સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુકે તેના ઉત્સર્જન ડેટાને સાર્વજનિક કર્યો. ફેસબુકે સ્વીકાર્યું હતું કે તે વર્ષે કંપનીનું કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ૩૮,૦૦૦ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડ જેટલું હતું. કંપનીએ ૨૦૩૦ સુધીમાં તેની કામગીરીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું જેમાં તેને આંશિક સફળતા મળી છે.
ઇન્ટરનેટ વાપરવાથી ફેલાતું પ્રદૂષણ ડેટા સેંટર્સ, ઉપરોક્ત કંપની દ્વારા થતાં પ્રદુષણ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આબોહવા સંકટમાં યોગદાન આપે છે. દર વખતે જ્યારે તમે તમારા એકાઉન્ટ્સ તપાસો છો, ત્યારે તે મુખ્યત્વે અશ્મિભૂત ઇંધણ દ્વારા બનાવવામાં આવેલી ઊર્જાનો ઉપયોગ કરે છે, અને વર્ષ દરમિયાન, ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં પરિણમીને વાતાવરણને ગરમ કરે છે.
જાે કોઈ વ્યક્તિ એક વર્ષ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો તે ૪૦૦ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. એક સાધારણ ઈમેઈલ ૪ ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કરે છે અને જાે ઈમેઈલ સાથે ફોટો અથવા વિડિયો જાેડાયેલ હોય, તો તે ૫૦ ગ્રામ સુધી ઉત્સર્જન કરે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે બિઝનેસ ઈમેઈલ યુઝર દર વર્ષે ૧૩૫ કિલો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કરે છે, જે લગભગ ૩૦૦ કિલોમીટર સુધી કાર ચલાવવાથી થતા ઉત્સર્જનની સમકક્ષ છે
આપણે નાની નાની સમસ્યાઓના ઉકેલ માટે ઇન્ટરનેટ પર સર્ચ કરીએ છીએ. આશ્ચર્યજનક રીતે, ઇન્ટરનેટ અથવા ગૂગલ સર્ચ પણ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં વધારો કરે છે. જાે દિવસમાં એકવાર ઇન્ટરનેટ પર સર્ચ કરો છો, તો ૭ ગ્રામ કાર્બન ઉત્સર્જિત થાય છે. જાે એક શોધમાં ૫ પરિણામો તપાસવામાં આવે તો આ ઉત્સર્જન ૧૦ ગ્રામ સુધી પહોંચે છે. સમગ્ર વર્ષ દરમિયાન ગુગલનો ઉપયોગ કરવાથી આશરે ૧૦-૧૫ કિગ્રા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન થાય છે.
ઈન્ટરનેટ પ્રદૂષણ ઘટાડવામાં આપણે શું વ્યક્તિગત યોગદાન આપી શકીએ?
એ યાદ રાખો કે જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે પણ દુનિયા ચાલતી જ હતી એટલે વાતે વાતે ગુગલ સર્ચ કરવાની ટેવને મર્યાદિત કરો. ઇન્ટરનેટનો ઉપયોગ વખતે તેની અનિવાર્યતાને ચકાસવી. વળી જ્યાં જ્યાં બિનજરૂરી લાગે ત્યાં ત્યાં ઇન્ટરનેટના ઉપયોગને ટાળવો. બીજું, ઈમેઈલ ઇનબોક્સ સાફ રાખો. સ્પામ મેઈલ, વણજાેઈતા મેઈલ વગેરે કાઢી નાખો. આવા મેઈલ તમારા માટે કોઈ કામના નથી, પરંતુ તેમના સ્ટોરેજમાં મેઈલ સર્વર દ્વારા મોટી માત્રામાં ઊર્જાનો ઉપયોગ થાય છે.